‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત 12 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને રૂ.1.250 કરોડની સહાય અપાશે
ગાંધીનગર,27 જાન્યુઆરી 2026: ‘સૌ ભણે ગણે અને આગળ વધે’ તેવા ઉમદા હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો આજે દેશભરમાં પ્રેરક અનુકરણીય બની રહ્યા છે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાની આગેવાનીમાં અનેક નવી યોજનાઓ દ્વારા શિક્ષણનો વ્યાપ સતત વધી રહ્યો છે. આવી એક શિક્ષણલક્ષી યોજના છે ‘નમો લક્ષ્મી યોજના’. આ યોજના હેઠળ રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫-૨૬માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતી અંદાજે ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીનીઓને રૂ.૧,૨૫૦ કરોડની સહાય કરશે તેમ, શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી આર્થિક અક્ષમતાઓને કારણે રાજ્યની દીકરીઓને શિક્ષણ છોડી ન દેવું પડે અને વધુને વધુ દીકરીઓ પોતાનું સંપૂર્ણ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરે તેવા ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી શિક્ષણ વિભાગે ‘નમો લક્ષ્મી યોજના’ શરૂ કરી છે. આ યોજના હેઠળ, રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB), કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આ સહાય મળવાપાત્ર છે. જો વિદ્યાર્થિનીઓને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર છે. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ ૦૯ થી ૧૨માં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થિનીઓને આ ચાર વર્ષ દરમિયાન કુલ રૂ.૫૦ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો મુખ્ય હેતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે કિશોરવયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદ્રઢ બનાવવાની જરૂરીયાત રાજ્ય સરકારના ધ્યાને આવી હતી. જેના પરિણામ સ્વરૂપે કિશોરવયની વિદ્યાર્થીનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તીકરણ થાય તે હેતુથી આર્થિક સહાય આપવા માટે ‘નમો લક્ષ્મી યોજના’ શરૂ કરવામાં આવી છે.
આ યોજનાનો લાભ રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળા અથવા આર.ટી.ઇ અંતર્ગત ધોરણ-૧ થી ૮ નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ-૯માં પ્રવેશ મેળવેલ હોય અથવા ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬લાખ કે તેથી ઓછી હોય તેવી ધોરણ-૯માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ ‘નમો લક્ષ્મી યોજના’નો લાભ લઈ શકે છે.


