
કેન્દ્રીય મંત્રીમંડળે રોજગાર સંબંધિત પ્રોત્સાહન (ELI) યોજનાને મંજૂરી આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે રોજગાર નિર્માણ, રોજગારક્ષમતા વધારવા અને તમામ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષાને ટેકો આપવા માટે રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન (ELI) યોજનાને મંજૂરી આપી છે. જેમાં ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ યોજના હેઠળ, જ્યારે પહેલી વાર કામ કરનારા કર્મચારીઓને એક મહિનાનો પગાર (રૂ. 15,000/- સુધી) મળશે, ત્યારે નોકરીદાતાઓને વધારાની રોજગારીનું સર્જન કરવા માટે બે વર્ષ સુધીના સમયગાળા માટે પ્રોત્સાહનો આપવામાં આવશે. જેમાં ઉત્પાદન ક્ષેત્ર માટે બીજા બે વર્ષ માટે વિસ્તૃત લાભો આપવામાં આવશે. ELI યોજનાની જાહેરાત કેન્દ્રીય બજેટ 2024-25માં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકોને સરળ બનાવવા માટે પાંચ યોજનાઓના પેકેજના ભાગ રૂપે કરવામાં આવી હતી, જેનો કુલ બજેટ ખર્ચ રૂ. 2 લાખ કરોડ છે.
99,446 કરોડ રૂપિયાના ખર્ચ સાથે, ELI યોજનાનો ઉદ્દેશ્ય બે વર્ષના સમયગાળામાં દેશમાં 3.5 કરોડથી વધુ નોકરીઓના સર્જનને પ્રોત્સાહન આપવાનો છે. આમાંથી 1.92 કરોડ લાભાર્થીઓ પહેલી વાર નોકરીમાં પ્રવેશ કરશે. આ યોજનાના લાભો 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ, 2027ની વચ્ચે સર્જાયેલી નોકરીઓ પર લાગુ થશે. આ યોજનામાં બે ભાગો છે જેમાં ભાગ A પહેલી વાર નોકરી કરતા લોકો પર કેન્દ્રિત છે અને ભાગ B નોકરીદાતાઓ પર કેન્દ્રિત છે:
- ભાગ A: પહેલી વાર કર્મચારીઓને પ્રોત્સાહન
EPFO સાથે નોંધાયેલા પહેલી વાર કર્મચારીઓને લક્ષ્ય બનાવતા, આ ભાગ બે હપ્તામાં 15,000 રૂપિયા સુધીનો એક મહિનાનો EPF પગાર ઓફર કરશે. 1 લાખ રૂપિયા સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓ પાત્ર રહેશે. પહેલો હપ્તો 6 મહિનાની સેવા પછી ચૂકવવાપાત્ર રહેશે અને બીજો હપ્તો 12 મહિનાની સેવા અને કર્મચારી દ્વારા નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ થયા પછી ચૂકવવાપાત્ર રહેશે. બચત કરવાની આદતને પ્રોત્સાહન આપવા માટે, પ્રોત્સાહનનો એક ભાગ ચોક્કસ સમયગાળા માટે ડિપોઝિટ એકાઉન્ટના બચત સાધનમાં રાખવામાં આવશે અને કર્મચારી પછીની તારીખે ઉપાડી શકશે. ભાગ A થી લગભગ 1.92 કરોડ પહેલી વાર કામ કરતા કર્મચારીઓને ફાયદો થશે.
- ભાગ B: નોકરીદાતાઓને સહાય:
આ ભાગમાં તમામ ક્ષેત્રોમાં વધારાની રોજગારીનું સર્જન કરવામાં આવશે, જેમાં ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નોકરીદાતાઓને 1 લાખ રૂપિયા સુધીના પગારવાળા કર્મચારીઓના સંદર્ભમાં પ્રોત્સાહનો મળશે. સરકાર ઓછામાં ઓછા છ મહિના સુધી સતત રોજગાર ધરાવતા દરેક વધારાના કર્મચારી માટે નોકરીદાતાઓને બે વર્ષ માટે દર મહિને 3000 રૂપિયા સુધી પ્રોત્સાહન આપશે. ઉત્પાદન ક્ષેત્ર માટે, પ્રોત્સાહનો 3જા અને 4થા વર્ષ સુધી પણ લંબાવવામાં આવશે. EPFO સાથે નોંધાયેલા સંસ્થાઓએ ઓછામાં ઓછા છ મહિના માટે સતત ધોરણે ઓછામાં ઓછા બે વધારાના કર્મચારીઓ (50 થી ઓછા કર્મચારીઓ ધરાવતા નોકરીદાતાઓ માટે) અથવા પાંચ વધારાના કર્મચારીઓ (50 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતા નોકરીદાતાઓ માટે) રાખવા પડશે.