
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં પલ્લવ બ્રિજ સહિત અનેક વિકાસ કામોની ભેટ આપી
- પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરાતા એક લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળી,
- ચીમનભાઈ પટેલ ફ્લાઈબ્રિજ સમાંતર બનનારા ઓવરબ્રિજનું ખાતમૂર્હુત કર્યું
- સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધી ફ્લાઈઓવરબ્રિજનું પણ ખાતમૂહુર્ત કર્યું
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, ગઈકાલે ગાંધીનગરમાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા બાદ આજે સાણંદમાં તિરંગા યાત્રામાં હાજરી આપી હતી. ત્યારબાદ અમદાવાદમાં યોજાયેલા સહકાર સંમેલનમાં હાજરી આપ્યા બાદ શહેરમાં પલ્લવબ્રિજના લોકાપર્ણ સહિત અનેક વિકાસ કાર્યોને શહેરીજનોને ભેટ આપી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ઠેર-ઠેર ઓવરબ્રિજ અને ફ્લાયઓવરના કામ ચાલી રહ્યા છે. અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર પલ્લવ જંકશન પર નવનિર્મિત ઓવરબ્રિજનું આજે અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજની સમાંતર બનનારા ઓવરબ્રિજ અને સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધીના ફ્લાયઓવરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં અમિત શાહના હસ્તે કુલ 1692 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પહેલાં મહેસાણાના ગોજારીયા ખાતે કે.કે પટેલ નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું.
શહેરના સાયન્સસિટી ખાતે આજે સહકારી મહાસંમેલન યોજાયું હતું. જેમાં સંબોધન કરતા શાહે જણાવ્યું હતું કે, સૌ સહકાર આગેવાનોને કહેવા માગું છું કે, સહકારિતામાં સહકાર કરવામાં આવે. દરેક સભાસદ, મંડળીઓ અને સંસ્થાઓનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં હોવું જોઈએ. સહકારી યુનિવર્સિટી માટે ગુજરાતે લીડ લેવાની જરૂરી છે. ડેરી માટે જોઈતા દરેક સાધનો કો-ઓપરેટિવ સંસ્થાઓ મારફતે કરવામાં આવશે. ગુજરાતથી જ આ પ્રયોગ શરૂ થશે. સહકારી માળખાને મજબૂત કરવાની જરૂર છે.
તેમણે સભાને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ 2047 દરેક ક્ષેત્રમાં નંબર 1 હોય તેનું બીડું ઝડપ્યું છે. આપણી બ્રહ્મોસ મિસાઈલ આજના યુવાનો તેના વિશે સર્ચ કરે છે. પાકિસ્તાનના હવાઈ અડ્ડા પર આપણી બ્રહ્મોસ મિસાઇલ ત્રાટકી છે. આતંકવાદી મસૂદ અઝર સહિતના આતંકવાદીઓના અડ્ડાઓનો ખાત્મો કર્યો છે. જ્યાં સુધી દેશમાં પોતાની સીમાઓને સુરક્ષિત રાખવાનું છે જેના ઓપરેશન સિંદૂર સુવર્ણ અક્ષરે લખાશે. હું ગાંધીનગર લોકસભા વતી વડાપ્રધાન અને સેનાના જવાનોને અભિનંદન આપું છું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું ત્યારે તેમાં સ્પષ્ટતા પૂર્વક કહી દીધું છે કે, સિંધુ નદી અને લોહી બંને એક સાથે ના વહે. જો આતંકવાદ બંધ નહીં થાય તો સિંધુ નદીનું ટીપું પાણી પણ તમને નહીં મળે. વ્યાપાર, ટ્રેડ અને ટેરેરિઝમ એક સાથે નહીં ચાલે. ટેરેરિઝમને આશરો આપવો છે તો બધા ટ્રેડ અને વ્યાપાર સમાપ્ત કરી દો. વડાપ્રધાને કહ્યું હતું કે, અમે તો વાતચીત કરવા સાથે તૈયાર છીએ પણ વાતચીત થશે તો PoK પાછું લેવા માટે અને ટેરેરિઝમનો ખાત્મો કરવા થશે. પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું. પાકિસ્તાનના 9 સ્થળો પર આતંકવાદના અડ્ડાઓ ધ્વસ્ત કરી દીધા છે. દેશની મહિલાઓની માથા પરથી સિંદૂર દૂર કરવાવાળા આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે. ઓપરેશન સિંદૂરના મિસાઇલ ત્રાટક્યા અને આતંકવાદીઓ ખતમ થયા અને પાકિસ્તાન ખુલ્લું પડી ગયું. 100 કિલોમીટર અંદર જઈ આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે.