- માટી ભરીને દાડતા ડમ્પરોને લીધે પ્રદૂષણમાં વધારો
- પીકઅપ અવર્સમાં દોડતા ભારે વાહનોથી સર્જાતો ટ્રાફિકજામ
- ટ્રાફિક પોલીસ દ્વારા હવે ભારે વાહનો સામે ડ્રાઈવ કરાશે
સુરતઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ વધી રહી છે. તેના કારણે ટ્રાફિકની સમસ્યા દરેક વિસ્તારમાં જોવા મળી રહી છે. ખાસ કરીને પીકઅપ સમયમાં ટ્રાફિકજામની સમસ્યા સૌથી વધુ રહેતી હોય છે. ત્યારે જ ભારે વાહનોની પણ બેરોકટોક અવર-જવર રહેતી હોય છે. આમ તો પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો પર પ્રતિબંધ હોય છે. પણ ડમ્પરો, મિક્ચરો ટ્રાફિક જામ કરતા હોય છે. ઉપરાંત માટી ભરેલા વાહનો દોડતા હોવાથી ડમ્પરોમાંથી ધૂળ ઉડતી હોય છે. તેના લીધે શહેરમાં પ્રદૂષણ પણ વધી રહ્યું છે. ત્યારે ટ્રાફિક પોલીસ આવા વાહનો સામે પગલાં ભરે તેવી માગ ઊઠી છે.
શહેરમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનોના પ્રવેશ અને ખુલ્લી માટી લઈને દોડતા ટ્રેલરોને કારણે હવામાં પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર વધારો થયો છે. શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિકની સમસ્યા અને જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને ભારે વાહનો માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિયમ મુજબ, શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર અમુક ચોક્કસ કલાકો દરમિયાન પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં, સુરતના રાજમાર્ગો પર આ ભારે વાહનો નિર્ભયપણે ફરતા જોવા મળે છે. નિયમોને ઘોળીને પી જનારા વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ લાગી રહ્યું છે.
સુરત શહેરમાં ઠેર-ઠેર ચાલી રહેલા મોટા પ્રોજેક્ટ્સ અને કન્સ્ટ્રક્શન સાઈટ પર માટી, કપચી અને કાટમાળ લઈ જતા હેવી વ્હીકલ્સ મુખ્ય સમસ્યા છે. આ વાહનોમાં ભરેલી માટી કે રેતી પર ઘણીવાર તાળપત્રી બાંધવામાં આવતી નથી. જેના પરિણામે જ્યારે આ વાહનો ગતિમાં હોય છે ત્યારે માટી હવામાં ઉડે છે અને પાછળ આવતા રાહદારીઓ તથા દ્વિચક્રી વાહનચાલકોની આંખોમાં પડે છે. આ માત્ર પ્રદૂષણ જ નહીં, પણ ગંભીર અકસ્માતનું કારણ પણ બને છે. હાલમાં સુરતમાં જે પ્રકારે ધૂળની ડમરીઓ જોવા મળી રહી છે, તેમાં આ બેદરકારીનો મોટો ફાળો છે.
આ ગંભીર પરિસ્થિતિને જોતા સુરત પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. ટ્રાફિક એસીપી એસ. આર. ટંડેલે આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સુરત પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રતિબંધિત સમય છે. આ સમયગાળામાં જો કોઈ વાહન નિયમ ભંગ કરતા પકડાશે તો તેમની સામે FIR દાખલ કરવામાં આવશે અને વાહનો જપ્ત કરવાની પણ જોગવાઈ છે.


