
નવી દિલ્હીઃ વોશિંગટનઃ એક તરફ અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ વોર ચાલી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પ્રશાસન સતત ભારત સામે નિવેદનબાજી કરી રહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે ભારત રશિયાથી કાચું તેલ ખરીદી રહ્યું છે, જેના કારણે યુક્રેન યુદ્ધમાં રશિયાને સીધી મદદ મળી રહી છે. અમેરિકા દ્વારા ભારત પર ભારે ટેરિફ લાદવાના પાછળનો મુખ્ય તર્ક પણ આ જ છે. પરંતુ જો આ દલીલની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, તો સ્પષ્ટ થાય છે કે રશિયાથી સૌથી વધુ તેલ ચીન ખરીદી રહ્યું છે, છતાં અમેરિકા તેના પર કોઈ મોટી કાર્યવાહી કરી રહ્યું નથી. ભારતે પોતાના વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે દેશના 140 કરોડ લોકોના આર્થિક હિતોમાં સમાધાન નહીં કરવામાં આવે અને રશિયાથી તેલની ખરીદી યથાવત્ રહેશે.
વ્હાઇટ હાઉસના સલાહકાર પીટર નવારોએ તાજેતરમાં કઠોર ટિપ્પણી કરી છે. તેમણે યુક્રેન યુદ્ધને સીધું જ “મોદીનું યુદ્ધ” ગણાવ્યું છે. નવારોએ આક્ષેપ કર્યો કે, ભારત રશિયન ડિસ્કાઉન્ટેડ તેલ ખરીદી રહ્યું છે, જેનાથી રશિયાની આક્રમકતા વધે છે અને અમેરિકન કરદાતાઓ પર તેનો ભારે બોજો પડે છે. નવારોએ એવો દાવો કર્યો કે જો ભારત રશિયન તેલની ખરીદી બંધ કરે તો અમેરિકા ભારત પરના ટેરિફમાં 25 ટકા સુધી રાહત આપી શકે. બ્લૂમબર્ગ ટીવીના કાર્યક્રમ બેલેન્સ ઑફ પાવરમાં ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે “શાંતિનો માર્ગ થોડોક નવી દિલ્હીની તરફથી પસાર થાય છે.”
નવારોએ વધુમાં કહ્યું કે, “હું આશ્ચર્યચકિત છું કારણ કે મોદી એક મહાન નેતા છે. ભારત એક પરિપક્વ લોકશાહી છે અને તેને પરિપક્વ લોકો ચલાવે છે, છતાં ભારતીયો ખૂબ જ અહંકારપૂર્વક કહે છે કે અમારા ટેરિફ વધુ નથી, આ અમારી સંપ્રભુતા છે, અમે જે પાસેથી ઇચ્છીએ તેલ ખરીદી શકીએ” તેમનો આક્ષેપ હતો કે, ભારત રશિયન તેલ સસ્તામાં ખરીદે છે, અને રશિયા આ જ પૈસાનો ઉપયોગ પોતાની યુદ્ધ મશીનોને ચલાવવા અને વધુ યુક્રેનિયનોને મારવા માટે કરે છે. નવારોએ કહ્યું કે, “ભારત જે કરી રહ્યું છે, તેનાથી અમેરિકા માં દરેકને નુકસાન થઈ રહ્યું છે.”
આ પહેલીવાર નથી કે નવારોએ ભારત પર ટિપ્પણી કરી હોય, થોડા સમય પહેલાં પણ તેમણે ભારતને “રશિયન તેલનું લૉન્ડ્રોમેટ” ગણાવ્યું હતું. તેમના મુજબ, ભારત જે નફો અમેરિકા ને માલ વેચીને કમાય છે, તે જ રકમથી રશિયન તેલ ખરીદે છે, પછી રિફાઇનરીઓ તેનો નફો કમાય છે અને રશિયા એ પૈસાથી વધુ હથિયાર બનાવી યુક્રેન પર હુમલા કરે છે. તેમણે આ પરિસ્થિતિને “એક પ્રકારનું પાગલપણું” ગણાવી હતી. સ્પષ્ટ છે કે અમેરિકા ભારત પર દબાણ કરી રહ્યું છે, પરંતુ ભારત પોતાની ઊર્જા સુરક્ષા અને આર્થિક હિતોને સુરક્ષિત રાખવા પ્રતિબદ્ધ છે અને રશિયાથી તેલની ખરીદી ચાલુ રાખવા અડગ છે.