
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ટોચના સલાહકારો ઓક્ટોબરમાં એશિયા-પેસિફિક આર્થિક સહયોગ (એપેક) વેપાર મંત્રીઓની બેઠક માટે દક્ષિણ કોરિયાની મુલાકાત લેવાની તૈયારી કરી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, ટ્રમ્પની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત પણ શક્ય છે.
આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે વિશ્વભરના દેશો યુએસ સરકારની ટેરિફ નીતિઓથી ચિંતિત છે. તેની અસર વૈશ્વિક વેપાર પર પણ જોવા મળી રહી છે.
યુએસ વહીવટી અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે APEC દરમિયાન દ્વિપક્ષીય બેઠક અંગે ગંભીર ચર્ચા થઈ છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર યોજના બનાવવામાં આવી નથી.
ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં ગ્યોંગજુ શહેરમાં યોજાનારી આ સમિટને ટ્રમ્પ માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવાની એક મહત્વપૂર્ણ તક માનવામાં આવે છે.
ગયા મહિને ફોન પર થયેલી વાતચીતમાં જિનપિંગે ટ્રમ્પ અને તેમની પત્નીને ચીનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. યુએસ રાષ્ટ્રપતિ દ્વારા આમંત્રણનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જોકે તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર તેને અમેરિકામાં વધુ આર્થિક રોકાણ આકર્ષવાની તક તરીકે પણ જુએ છે, જે ટ્રમ્પના તાજેતરના વિદેશ પ્રવાસોમાં કેન્દ્રસ્થાને રહ્યું છે, જેમાં સાઉદી અરેબિયા, કતાર અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સીએનએનને જણાવ્યું. કે, “દક્ષિણ કોરિયાની મુલાકાત પર ચર્ચા થઈ રહી છે. તે આર્થિક સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે, અન્ય ધ્યેયોમાં વેપાર, સંરક્ષણ અને નાગરિક પરમાણુ સહયોગ પર ચર્ચા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમાવેશ થાય છે.
આ ક્ષેત્રમાં ટ્રમ્પની હાજરી તેમને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે ફરી એકવાર વાતચીત કરવાની સ્થિતિમાં મૂકી શકે છે, જોકે કિમ હાજરી આપશે કે નહીં તે એક પ્રશ્ન છે.
અધિકારીઓ કહે છે કે શી જિનપિંગ સાથે સંભવિત બેઠકનું આયોજન કરવા પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે ગયા અઠવાડિયે તેમની સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પને APEC સમિટમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે સૂચવ્યું હતું કે આ કાર્યક્રમ ટ્રમ્પને કિમને મળવાની તક પૂરી પાડી શકે છે.
શનિવારે પત્રકારોને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે તેઓ કિમને મળવા માટે ઉત્સુક છે.
ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા વિશે દાવો કર્યો હતો કે, “હું એમ કરીશ અને આપણે વાત કરીશું. તેઓ મને મળવા માંગશે. અમે તેમને મળવા આતુર છીએ અને આપણે સંબંધો સુધારીશું.”
અમેરિકન રાષ્ટ્રપતિની દક્ષિણ કોરિયાની અપેક્ષિત મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે શી જિનપિંગ અને કિમ બંને સાથેના તેમના સંબંધો તણાવપૂર્ણ છે.
શી જિનપિંગે આ અઠવાડિયે બેઇજિંગમાં કિમ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મળવાનું આયોજન કર્યું હતું.
જિનપિંગ સાથેની સંભવિત મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે ટ્રમ્પના ટેરિફને લઈને વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે મતભેદ છે. યુએસ અને ચીની અધિકારીઓ વેપાર સોદા પર ઘણી વાટાઘાટોમાં સામેલ થયા છે, જેમાં યુરોપમાં બંને દેશોના ટોચના આર્થિક સલાહકારો સાથે બે સામ-સામે બેઠકોનો સમાવેશ થાય છે.
ટ્રમ્પે એપ્રિલમાં ચીની આયાત પર 145 ટકા ટેરિફ લાદ્યો હતો અને ચીને પણ યુએસ માલ પર 125 ટકા ટેરિફ લાદ્યો હતો. ટેરિફ ગયા મહિને અમલમાં આવવાના હતા. પરંતુ ટ્રમ્પે નવેમ્બર સુધી વધેલા ટેરિફને સ્થગિત રાખવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા.