1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમેરિકાએ ટેરિફ ઘટાડતા ગુજરાતના ટેક્સટાઈલ્સ, કેમિકલ સહિત ઉદ્યોગો માટે સૂવર્ણ તક
અમેરિકાએ ટેરિફ ઘટાડતા ગુજરાતના ટેક્સટાઈલ્સ, કેમિકલ સહિત ઉદ્યોગો માટે સૂવર્ણ તક

અમેરિકાએ ટેરિફ ઘટાડતા ગુજરાતના ટેક્સટાઈલ્સ, કેમિકલ સહિત ઉદ્યોગો માટે સૂવર્ણ તક

0
Social Share

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:   વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ભારત-અમેરિકા વચ્ચે વચગાળાની વ્યાપાર સમજૂતી (Interim Trade Agreement) કરવામાં આવી છે. જે દેશના અર્થતંત્ર માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે તેમજ ખાસ કરીને ગુજરાતનાં ઉદ્યોગો માટે વિકાસની નવી ક્ષિતિજો ખોલશે.

ભારત-અમેરિકા વચ્ચેની આ વ્યાપાર સમજૂતી અંતર્ગત અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફ 50 ટકાના આકરા દરોથી ઘટાડીને આશરે 18 ટકા કર્યા છે, જેના પરિણામે અમેરિકન માર્કેટમાં ભારતીય ઉત્પાદનોની કિંમત સ્પર્ધાત્મક બનશે અને તેની માંગમાં મોટો વધારો થશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત ભારતનું સૌથી મોટું નિકાસકર્તા રાજ્ય બન્યું છે. રાજ્યમાં ટેક્ષટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ખૂબ મજબૂત ઔદ્યોગિક માળખું ઉપલબ્ધ છે. આ સમજૂતીથી ગુજરાતનાં આ તમામ સેક્ટર્સને નવો વેગ મળશે.

આ વ્યાપાર સમજૂતીનો સૌથી વધુ ફાયદો ટેક્ષટાઇલ-કાપડ ઉદ્યોગને થવાની સંભાવના છે. ટેરિફ ઘટવાથી ગુજરાતના ગારમેન્ટ અને હોમ ટેક્ષટાઇલ ઉત્પાદનો અન્ય દેશોની સરખામણીએ વધુ સ્પર્ધાત્મક બનશે. જેની મધ્યમ ગાળાના નિકાસ જથ્થામાં 100-150 ટકાનો વધારો થવાની પ્રબળ શક્યતા છે. જેનાથી રાજ્યના મુખ્ય ટેક્ષટાઇલ ક્લસ્ટરોમાં ઉત્પાદન વધશે, અમેરિકાથી નવા ઓર્ડર મળશે અને નફાકારકતામાં વધારો જોવા મળશે.

આ સમજૂતી ખાસ સુરત માટે નવી આશાનું કિરણ લઈને આવી છે. વિશ્વના સૌથી મોટા ડાયમંડ પોલિશિંગ હબ ગણાતા સુરતના હીરા ઉદ્યોગને આ નિર્ણયથી ખૂબ મોટો ફાયદો થશે. ટેરિફમાં ઘટાડો થવાથી ઉદ્યોગનું માર્જિન સુધરશે અને માંગમાં નવેસરથી વધારો થશે.

આ ઉપરાંત રાજ્યના ભરૂચ, વાપી અને અમદાવાદ સ્થિત કેમિકલ અને ફાર્મા ક્લસ્ટરોમાં પણ આ વ્યાપાર સમજૂતી થકી ખૂબ મોટા પાયે રિકવરી થવાની આશા છે. અગાઉ કેમિકલ અને ફાર્મા ઉદ્યોગોની નિકાસમાં અંદાજે 25-30 ટકાનો ઘટાડો થયો હતો તેમાં હવે સુધાર આવશે અને આ ઉદ્યોગોનો વિકાસ થશે. ઘણી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર ઝીરો-ડ્યૂટી અથવા લો-ડ્યૂટીનો લાભ મળવાથી અમેરિકાના રેગ્યુલેટેડ માર્કેટમાં ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનશે.

વધુમાં, રિન્યુએબલ એનર્જીમાં ખાસ કરીને સોલાર મેન્યુફેક્ચરિંગ માટે આ સમજૂતી અંતર્ગત સોલાર પેનલ અને તેના કમ્પોનન્ટ્સના ઉત્પાદનને વેગ મળશે. અમેરિકામાં તેની નિકાસ હવે વ્યાપારી રીતે વધુ ફાયદાકારક બનશે. આમ, ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત બનશે.

નિકાસ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં થતા આ વધારાની સીધી હકારાત્મક અસર રાજ્યની અર્થવ્યવસ્થા પર પડશે. જેના પરિણામે MSME એકમો, ફેક્ટરીઓ, લોજિસ્ટિક્સ અને આનુષંગિક સેવાઓમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. નિકાસ સાથે સંકળાયેલા MSME એકમો સક્ષમ બનતા ઉદ્યોગસાહસિકો અને કામદારોની આવકમાં નોંધપાત્ર વધારો થતાં આર્થિક સ્થિતિ વધુ સુદ્રઢ બનશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code