વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા યુપીની કૂખ્યાત બાવરિયા ગેન્ગના સૂત્રધારને દબોચી લેવાયો
વડોદરા, 28 ડિસેમ્બર 2025: UP’s notorious Bawaria gang leader arrested શહેરમાં ચેઈન સ્નેચિંગના બનાવો વધતા હોવાથી શહેર ક્રાઈમ બ્રાન્ચ ચેઈન સ્નેચરોને પકડવા સક્રિય બની છે. ત્યારે આ ઘટનાએ અંજામ આપનારા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચેઈન સ્નેચર ગેંગ ઉત્તરપ્રદેશથી કારમાં વડોદરા આવી ચોરીની મોટર સાયકલ ઉપર મહિલાઓના ગળામાં પહેરેલ સોનાની ચેઇનોનું સ્નેચિંગ કરતા હતા. પોલીસે ઉત્તરપ્રદેશની કુખ્યાત આંતરરાજ્ય બાવરિયા ગેંગના સાગરીતને ઉત્તરપ્રદેશ ખાતે ટોલ પ્લાઝાના કર્મચારી બનીને શોધી કાઢી ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
વડોદરા શહેરમાં ચેઈન સ્નેચિંગના બનાવો વધતા જતા હતા. એટલે આવા ગુનો ઉકેલવા માટે પોલીસ કમિશનરે શહેર ક્રાઈમ બ્રાન્ચને સુચના આપી હતી. ક્રાઈમ બ્રાન્ચે સર્વેલન્સ અને સીસીટીવીને આધારે તપાસ કરતા ઉત્તર પ્રદેશની બાવરિયા ગેન્ગ સંડોવાયેલી હોવાની માહિતી મળી હતી. આથી શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તરપ્રદેશના શામલી જિલ્લામાં ટોલ પ્લાઝા પર કર્મચારી તરીકે વેશ ધારણ કરી શંકાસ્પદ મારુતિ અર્ટીગા કારને રોકી હતી. પકડાયેલો આરોપી મેજરસિંગ જોગાસિંગ સિંગ (ઉંમર 28, રહે. અહમદગઢ, તા. કૈરાના, જિ. શામલી)એ પુછપરછમાં કબૂલ્યું કે તે અને તેના ત્રણ સાગરીતો (નિતીન ઉર્ફે ગુલ્લર ક્રીષ્ણા બાવરીયા, સંજય ઉર્ફે સંજુ મુકેશભાઇ બાવરીયા અને સેન્ટી બીટ્ટુ વઢેરા) બે વખત વડોદરા આવ્યા હતા. તેઓ હાલોલ રોડ પર કાર પાર્ક કરી બે સભ્યો વડોદરામાં મોટરસાઇકલ ચોરી કરી ચેઇન સ્નેચિંગ કરતા અને પછી મોટરસાઇકલ છોડી કારમાં પરત ફરતા હતા.આ કેસમાં બે ચેઇન સ્નેચિંગ કે જે પાણીગેટ અને કુંભારવાડા પોલીસ સ્ટેશન અને એક મોટરસાઇકલ ચોરી ફતેગંજ પોલીસ સ્ટેશનનાનો ભેદ ઉકેલ્યો છે. ઝડપાયેલા આરોપી પાસેથી રોકડ, કાર અને મોબાઇલ મળી કુલ રૂપિયા 3,04,600 નો મુદામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના બાવરિ ગેન્ગના સાગરિતો વડોદરામાં બાઈકની ચોરી કરીને રાહદારી મહિલાના ગળામાંથી સોનાની ચેઇનોનું સ્નેચિંગ કરતા હતા આ ગેંગ પોતાના આર્થિક લાભ માટે ઉત્તરપ્રદેશથી કારમાં આવી શહેર બહાર કાર પાર્ક કરી બાઈકની ચોરી કરી ચેઇન તોડી પરત ફરતા હતા. વોન્ટેડ આરોપીઓમાં નિતીન અને સંજય પર ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં લૂંટફાટ, હથિયાર અને ગેંગસ્ટર એક્ટ હેઠળ 10થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2025માં વડોદરામાં 38 ચેઇન સ્નેચિંગના કેસમાંથી 35 ડિટેક્ટ કર્યા છે. જેમાંથી 33 ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યા છે. વર્ષ 2024 અને અન્ય જિલ્લાઓના મળી કુલ 37 કેસ ક્રાઇમ બ્રાન્ચે શોધ્યા છે. પોલીસે સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ગુન્હાને અંજામ આપનાર સામે કમર કસી છે.


