
વંદે ભારત એક્સપ્રેસને નવસારીમાં સ્ટોપેજ મળ્યું
પશ્ચિમ રેલવે દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (ટ્રેન નં. 20902/20901)ને નવસારી સ્ટેશન પર નિયમિત સ્ટોપેજ મળતા સમગ્ર નવસારીવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
આ શુભ અવસર પર કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારી સ્ટેશને પ્રથમ વખત ટ્રેન આવતા ટ્રેનને નારીયેળ કુમકુમથી વધાવી લીધી હતી. પહેલી વખત નવસારીથી વંદે ભારત ટ્રેનનો લાભ લેતા મુસાફરોને શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે ટ્રેનને ઉપાડવાનો સમય થતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને નરેશભાઇ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સહિત વિવિધ મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને નવસારી જિલ્લાની સેવાનો શુભારંભ કરાવ્યો હતો.
પ્રાસંગિક ઉદ્બોધન કરતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલએ પોતાના ઉદ્દબોધનમાં કહ્યું કે – વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જેવી અદ્યતન સુવિધાયુક્ત, ઝડપી અને આરામદાયક ટ્રેનનો સ્ટોપેજ હવે નવસારીને મળ્યો છે. જેથી નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો માટે આજે આનંદનો દિવસ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રેલવે ક્ષેત્રે સતત વિકાસ કાર્ય થઈ રહ્યા છે. જેના કારણે નાગરિકોની અપેક્ષા પણ વધી છે. જેનુ જીવંત ઉદાહરણ નવસારીના નાગરિકોને વંદેભારત ટ્રેનનું મળેલુ સ્ટોપેજ છે. લોકોની લાગણી અને માંગણીને ધ્યાને લઇ આજે નવસારી જિલ્લા સહિત આ વિસ્તારના નાગરિકોની માંગણી પૂર્ણ થઈ છે. જેનાથી વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ અને પ્રવાસીઓને સીધો લાભ મળશે. રેલવે મંત્રાલય લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સતત નવી સેવાઓ ઉમેરતું રહ્યું છે. જેના કારણે આજે રેલવેનો પ્રવાસ સૌથી સુખદ પ્રવાસ છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, આજે નવસારી સ્ટેશન પર વંદે ભારતનું સ્ટોપેજ શરૂ થવાથી નવસારી જિલ્લાનું દેશના અન્ય મોટા શહેરો સાથેનું જોડાણ વધુ મજબૂત બનશે જેના થકી નવસારી જિલ્લાના વિકાસમા મોટો ફાયદો થશે. નવસારીના લોકો આ સુવિધાનો પૂરો લાભ લેશે. આ ટ્રેન આપણી પ્રગતિની ગતિને વધુ તેજ કરશે. તેમણે ઉમેર્યું કે, નવસારી જિલ્લાની જરૂરીયાતને ધ્યાને રાખે અન્ય બે નવી સુપરફાસ્ટ ટ્રેનો તથા મેમુ ટ્રેનો અને નવસારી સ્ટેશનના વિકાસ માટે અન્ય સુવિધાઓ ઉભી કરવા પણ રજુઆત કરવામાં આવી છે.