1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ-થરાદ નવો જિલ્લો બન્યો, હવે ગુજરાતમાં 34 જિલ્લા
બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ-થરાદ નવો જિલ્લો બન્યો, હવે ગુજરાતમાં 34 જિલ્લા

બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ-થરાદ નવો જિલ્લો બન્યો, હવે ગુજરાતમાં 34 જિલ્લા

0
Social Share
  • વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ
  • મોટા બીજા નંબરના સૌથી મોટી જિલ્લાના બે ભાગ કરાયા
  • નવા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ થરાદમાં રહેશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવનો નવો જિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો છે. હાલ બનાસકાંઠા ગુજરાતમાં બીજા નંબરનો મોટો જિલ્લો છે, વિભાજન થતાં બનાસકાંઠા નાનો જિલ્લો બની જશે. બનાસકાંઠાનું વિભાજન કરીને થરાદ-વાવ નવો જિલ્લો બનશે. જિલ્લાનું મુખ્ય મથક થરાદમાં રહેશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા  હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે  વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે,  હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ બંને જિલ્લાઓમાં ગામડાઓનું વિભાજન મહદઅંશે સમાન રીતે દરેક જિલ્લામાં 600 આસપાસ રહે તેમ તથા વિસ્તાર વાવ-થરાદ જિલ્લામાં 6257 ચો. કિ.મી  અને બાનસકાંઠા જિલ્લામાં 4486 ચો. કિ.મી રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે તેવા દિશાનિર્દેશ આપ્યા છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા વિસ્તારના પ્રજાજનોને વહીવટી/ભૌગોલિક/આર્થિક વગેરે બાબતે વધુ સુગમતા રહે તે આશયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અને વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કર્યુ છે. આના પરિણામે અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું તેમાં સરેરાશ 35 થી 85 જેટલા કિ.મી. અંતરમાં ઘટાડો થશે તથા સમય અને ઈંધણની બચત થશે. આ બે નવા જિલ્લાઓના સર્જનથી સરકાર તરફથી મળતું ભંડોળ/ગ્રાન્ટમાં વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાની માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓમાં વધારો થશે તેમ જણાવતા પ્રવક્તા મંત્રીએ કહ્યુ કે, હવે આ નવા બનનારા વાવ-થરાદ જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા 34 થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code