
- ભારે વરસાદ બાદ શાકભાજીની આવકમાં થયો ઘટાડો,
- પ્રતિકિલો વટાણા ભાવ 240 અને તુવેરના ભાવ 160 બોલાયા,
- બટાકા અને ડુંગળીના ભાવમાં પણ વધારો
અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે વાડી-ખેતરોમાં પાણી ભરાતા લીલા શાકભાજીના આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. જેમાં પ્રતિકિલો ઘાણાના ભાવ 280, પાલકનો ભાવ રૂપિયા 120, વટાણાના ભાવ 240 અને તુવેરના ભાવ 160ને વટાવી ગયા છે. આ ઉપરાંત રીંગણા, બટાકા. ડૂંગળી સહિતના શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.
ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે તારાજી સર્જી છે. જેના કારણે કૃષિ પાકોમાં મોટું નુકસાન થયું છે. અતિવૃષ્ટિના કારણે શાકભાજીના પાકમાં મોટું નુકસાન થવાથી આવકમાં ઘટાડો નોંધાતા ભાવમાં ઉછાળો આવ્યો છે. જેમાં લીલી ભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ધાણા 280 રૂપિયે કિલો અને પાલક 120 રૂપિયે કિલો, મેથી 180 રૂપિયે કિલો વેચાણ થઈ રહ્યું છે. જે આ સિઝનમાં 30થી 40 રૂપિયે કિલો વેચાતા હોય છે. એક સમયે શાકભાજી સાથે લીલા ધાણા મફત આપવામાં આવતાં હતાં. જે હાલ છુટક 10 રૂપિયાના પણ આપતાં નથી.
તાજેતરમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદને કારણે ખેતી પાકોમાં નુકસાની થઈ છે. જ્યારે સૌથી વધુ અસર શાકભાજીના પાકોમાં જોવા મળી છે. જેના કારણે આવકમાં ઘટાડો નોંધાયો છે. જેથી શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. સૌથી વધુ ભાજીના ભાવો વધારો નોંધાયો છે. હાલ છુટક બજારમાં ધાણા ભાવ 280 રૂપિયે કિલો મળી રહ્યાં છે. તેમજ બજારમાં લીંબુના ભાવો 120થી 150 રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે. બીજા બાજુ અન્ય શાકભાજીના ભાવોમાં પણ વધારો જોવા મળ્યો છે. સૌથી વધુ ભાવ 240 રૂપિયે કિલો વટાણા અને તુવેર – પાપડી 160 રૂપિયે કિલો વેચાય છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં આવતાં રિંગણનો ભાવ 100 રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે, અને કાંદા બટકાના ભાવ તો છેલ્લા ઘણા સમયથી ઉંચા છે. શાકભાજીની હાલમાં સિઝન ન હોવાથી આવક ઓછી થઈ છે. જ્યારે બીજી બાજુ ઘણા શાક વરસાદમાં જલ્દી ખરાબ થઈ જતા હોવાથી ભાવ વધ્યા છે. શાકભાજીની સાથે લીલા ધાણા મફતમાં આવતાં હતાં તે હાલ 280 રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે.
શાકભાજીના વેપારીઓના કહેવા મુજબ સૌથી વધુ ભાવો લીલા ધાણાના 280 રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે. મહારાષ્ટ્ર અને બનાસકાંઠા અરવલ્લીથી ધાણાની આવક વધુ હોય છે. જ્યાં વરસાદને કારણે ધાણાનો પાક નિષ્ફળ ગયો છે. આ ભાવ આગામી ઘણા દિવસો સુધી રહેશે. હાલમાં પાલક, મેથી, ધાણા સહિત લીલી ભાજીના ભાવો 120થી 180 રૂપિયે કિલો છે.