
પશ્ચિમ બંગાળમાં વકફ સુધારો કાયદો લાગુ નહીં કરવામાં આવેઃ મમતા બેનર્જી
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાનો વિરોધ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે થયેલી અથડામણ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે બુધવારે કહ્યું કે રાજ્યમાં વકફ (સુધારો) કાયદો લાગુ કરવામાં આવશે નહીં. કોલકાતામાં જૈન સમુદાયના એક કાર્યક્રમને સંબોધતા મમતાએ કહ્યું કે, તેઓ લઘુમતી લોકો અને તેમની સંપત્તિના રક્ષણ માટે પગલાં લેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘મને ખબર છે કે તમે વકફ કાયદાના અમલીકરણથી નાખુશ છો.’ વિશ્વાસ રાખો, બંગાળમાં એવું કંઈ નહીં થાય જે સમાજમાં ભાગલા પાડીને કોઈને પણ શાસન કરવા દેશે.
તેમણે જણાવ્યું હતું કે, ‘બાંગ્લાદેશની પરિસ્થિતિ જુઓ. આપણે બિલ હાલ પસાર કરવું જોઈતું ન હતું. તમારે જીવો અને જીવવા દોનો સંદેશ આપવો જોઈએ. બંગાળમાં રહેતા લોકોને સુરક્ષા પૂરી પાડવાનું અમારું કામ છે. હું તમને બધાને અપીલ કરું છું કે જો કોઈ તમને રાજકીય રીતે ભેગા થવા માટે ઉશ્કેરે છે, તો કૃપા કરીને તેમ ન કરો. કૃપા કરીને યાદ રાખો કે દીદી તમારું અને તમારી સંપત્તિનું રક્ષણ કરશે. જો આપણે સાથે રહીશું, તો આપણે દુનિયા જીતી શકીશું.
વિશ્વ નવકાર મહામંત્ર દિવસ કાર્યક્રમને સંબોધતા મમતા બેનર્જીએ કહ્યું, ‘અમે દરેક પરંપરાનું પાલન કરીએ છીએ, અમે બાળપણથી જ બધા ધર્મો માટે પ્રેમ શીખ્યા છીએ. મને પૂછવામાં આવે છે કે તમે દરેક ધર્મના કાર્યક્રમમાં કેમ જાઓ છો? હું તેમને કહું છું કે હું હંમેશા આગળ વધીશ. ભલે તમે મારા પર ગોળીબાર કરો, તમે મારા હૃદયમાંથી એકતા દૂર કરી શકતા નથી. આપણી પાસે દરેક ધર્મ અને પરંપરાના તહેવારો છે. બધા ધર્મોના લોકો માનવતા માટે પ્રાર્થના કરે છે.