
- ગ્રામજનોની પુલ બનાવવા અનેક માંગણી છતાં તંત્ર ધ્યાન આપતું નથી,
- નાના-મોટા વાહનોને કોઝવેના પાણીમાંથી પસાર થવું પડે છે,
- કોઝવે એક તરફ તૂટી ગયો હોવાથી અકસ્માત થયાવો ભય
સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના અણીયાળી ગામે જવાના કોઝવે ઉપર વરસાદના કારણે પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટી ગયો હતો. કોઝવેના સ્થળે પુલ બનાવવા વર્ષોથી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. તેમ છતાં તંત્ર અને જનપ્રતિનિધિઓ દ્વારા ધ્યાન ન આપવામાં આવતું હોય તેવો ઘાટ સર્જાયેલો છે. જેને લીધે દર વર્ષે પાણી કોઝવે પર ફરી વળવાના કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. તેવામાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
લખતર તાલુકાના અણીયાળી ગામે જતા રોડ પર એક કોઝ્વે વચ્ચે આવે છે. આ કોઝવે એકબાજુ તૂટેલો છે. ત્યારે દર વર્ષે ચોમાસામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ત્યાંથી પસાર થતી નદીમાં પાણીની આવક થતા આ કોઝવે ઉપર પાણી ફરી વળે છે. કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો પાણીમાં ગરકાવ થઈ જાય છે. મોટાપ્રમાણમાં કોઝવે ઉપર પાણી ફરી વળતા ઘણીવાર ગામ સંપર્ક વિહોણું બની જાય છે. હાલ કોઝવે પર પાણી ભરાતા વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ગ્રામજનોના કહેવા મુજબ દર વર્ષે કોઝવે ઉપર પાણી આવતા મુશ્કેલી ઉભી થાય છે. આ જગ્યાએ પુલ બનાવવા અનેક માંગણી કરવામાં આવી છે. કોઝવે ઉપર પાણી ફરી વળતા જીવના જોખમે રસ્તો પાર કરવો પડે છે. આમ, વિકાસની વાતો વચ્ચે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાની આ પરિસ્થિતિ વરવી વાસ્તવિકતા છતી કરે છે.