
WCL 2025: ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઈન્કાર કરતા અફ્રીદીએ વ્યક્ત કરી નારાજગી
નવી દિલ્હીઃ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ થયા બાદ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પ્રતિક્રિયા આપી છે. આ મેચ 20 જુલાઈએ બર્મિંગહામમાં રમવાની હતી, પરંતુ શિખર ધવન, સુરેશ રૈના, હરભજન સિંહ સહિત ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સાથે રમવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, આયોજકોએ મેચ રદ કરી અને માફી માંગી હતી.
શિખર ધવને સોશિયલ મીડિયા પર પોતાના પત્રનો ફોટો શેર કરીને પુષ્ટિ આપી હતી કે તે WCLમાં પાકિસ્તાન સામે કોઈ મેચ નહીં રમે. અહેવાલો અનુસાર, હરભજન સિંહ, સુરેશ રૈના, ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે પણ મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. હવે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટીમના કેપ્ટન શાહિદ આફ્રિદીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે, તેમણે કહ્યું છે કે જો તેઓ રમવા માંગતા ન હોત તો તેમને મેચ માટે આવવું જોઈતું ન હતું.
આફ્રિદીએ ભારતીય ખેલાડીઓના મેચમાંથી ખસી જવાના નિર્ણયની ટીકા કરી અને કહ્યું કે ઇન્ડિયા ચેમ્પિયન્સના ખેલાડીઓએ પણ પ્રેક્ટિસ કરી હતી. તેમણે કહ્યું, “અમે અહીં ક્રિકેટ રમવા આવ્યા છીએ. જો ભારત પાકિસ્તાન સામે મેચ રમવા માંગતું ન હોત, તો તેણે અહીં આવવાનો ઇનકાર કરવો જોઈતો હતો. તમે પ્રેક્ટિસ પણ કરી અને પછી ના પાડી દીધી, અચાનક બધું એક જ દિવસમાં થઈ ગયું. રમતગમત લોકોને નજીક લાવે છે, પરંતુ જો દરેક બાબતમાં રાજકારણ આવે, તો આપણે કેવી રીતે આગળ વધીશું. જ્યાં સુધી આપણે બેસીને વાત નહીં કરીએ, ત્યાં સુધી કોઈ સુધારો થશે નહીં.”
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભારતીય ખેલાડીઓએ મેચમાંથી ખસી જવાનું વાસ્તવિક કારણ શાહિદ આફ્રિદી હતા, જેમણે પહેલગામ હુમલા પછી ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. તેમણે કહ્યું, “જો મને ખબર હોત કે મારા કારણે મેચ રદ થઈ રહી છે, તો હું મેદાનમાં પણ ન ગયો હોત, પરંતુ ક્રિકેટ ચાલુ રહેવી જોઈએ. શાહિદ આફ્રિદી ક્રિકેટ સામે કંઈ નથી.