
- રાજ્યભરમાં વાદળછાંયા વાતાવરણથી લોકોને ગરમીમાંથી રાહત મળી
- મહીસાગરમાં વીજળી પડતા બે પશુઓના મોત
- બનાસકાંઠામાં વીજળીના કડાકા સાથે કરા પડ્યા
અમદાવાદઃ ગુજરાતભરમાં આજે રવિવારે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. અણધારી આફતથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. બનાસકાંઠામાં વીજળીના કડાકા સાથે કરાં પડ્યા હતા. જ્યારે મહીસાગર જિલ્લામાં વીજળી પડતા બે પશુના મોત નિપજ્યા હતા.
ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન વીજળી, કરા પડવા, પવન ફૂંકાવવાની સાથે હળવાથી ભારે કમોસમી વરસાદની આગાહીને પગલે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં મહેસાણામાં જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ગત મોડી રાતે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. વડનગરમાં પણ અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જ મહિસાગર જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું. અહીં ખાનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન પાલનપુર, વડગામમાં પવન સાથે કરાંવૃષ્ટિ થયાની માહિતી મળી છે. જ્યારે ડીસા, લાખાણી અને દાંતીવાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. હાલમાં બાજરીનો પાક લેવાયેલો હોવાથી તેને કમોસમી વરસાદને પગલે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. જોકે અંગ દઝાડતી ગરમીના માહોલ વચ્ચે આ કમોસમી વરસાદથી વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઇ છે.
ગુજરાતનો દરિયાકિનારો 1600 કિમીનો સૌથી લાંબો છે. દરિયાકાંઠા વિસ્તારના અનેક માછીમારો દરિયો ખૂંદી માછલીઓ પકડવા મધદરિયે જતા હોય છે. ત્યારે હવામાનમાં પલટો આવવાનો હોઈ દરિયાની સીમા અને માછીમારોની રક્ષા કરતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં ગયેલા માછીમારોને પાછા આવવા સલાહ કરવામાં આવી હતી. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની શિપ દ્વારા તેઓને લાઉડ સ્પીકર દ્વારા ચેતવણી આપી પાછા આવવા અને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી હતી.
ગુજરાતમાં ભર ઉનાળે માવઠાનું સંકટ સર્જાયુ છે. આજથી આઠ તારીખ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. 5 અને 6 તારીખે કરા સાથે વરસાદ પડે તેવી આગાહી છે, તો સાત અને આઠ તારીખે પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આજે રવિવારે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓના વાતાવરાણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. અણધારી આફતથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે.