
વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લે તેવી શકયતા
વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. 14 વર્ષની શાનદાર કારકિર્દી બાદ, રસેલ ઓસ્ટ્રેલિયા સામેની આગામી T20 સિરીઝમાં તેની છેલ્લી બે મેચ રમશે.
ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 હશે છેલ્લી મેચ
ESPN ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, રસેલ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સામેલ છે. તે જમૈકામાં રમાનારી સીરિઝની પ્રથમ બે મેચ રમશે અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે. આ રીતે, 22 જુલાઈના રોજ રમાનારી બીજી T20 મેચ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની અંતિમ મેચ હશે. રસેલની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ T20 ઓલરાઉન્ડરોમાં થાય છે.
રસેલની કારકિર્દી પર એક નજર
આન્દ્રે રસેલે 2011માં આયર્લેન્ડ સામે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. અત્યાર સુધી તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે એક ટેસ્ટ, 56 વન-ડે અને 84 T20 મેચ રમી છે.
T20 ફોર્મેટમાં: રસેલે 73 ઇનિંગ્સમાં 163ના ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 1078 રન બનાવ્યા છે. વન-ડે ફોર્મેટમાં: તેણે 1034 રન બનાવ્યા છે. બોલિંગ: ત્રણેય ફોર્મેટમાં તેણે કુલ 132 વિકેટ ઝડપી છે.