1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી, પણ પૃથ્વીની જીવનરેખા છેઃ મંત્રી અર્જુન મોઢવાડિયા
વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી, પણ પૃથ્વીની જીવનરેખા છેઃ મંત્રી અર્જુન મોઢવાડિયા

વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી, પણ પૃથ્વીની જીવનરેખા છેઃ મંત્રી અર્જુન મોઢવાડિયા

0
Social Share

પોરબંદર, 1 ફેબ્રુઆરી 2026:  ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સેમિનારના અધ્યક્ષસ્થાને વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વેટલેન્ડ્સના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લો કુદરતી રીતે સમૃદ્ધ છે અને અહીં ૨૨૫ થી વધુ નાના-મોટા વેટલેન્ડ્સ આવેલા છે. વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી પણ પૃથ્વીની સુરક્ષા માટે અનિવાર્ય છે, તેથી તેમણે શાળાઓમાં ‘વેટલેન્ડ ક્લબ’ બનાવી નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડવા પર ભાર મૂક્યો હતો.

પ્રકૃતિ અને વન્યજીવોના રક્ષણ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે દરેક જીવનું કુદરતી ચક્રમાં આગવું મહત્વ છે. તેમણે ઉદાહરણ આપ્યું કે સાપ જેવી રીતે ઉંદરો પર નિયંત્રણ રાખીને અનાજનો બગાડ અટકાવે છે, જે પ્રત્યક્ષ રીતે માનવજાતને મદદરૂપ છે. વધુમાં, ધરમપુર ખાતેના રિસર્ચ સેન્ટરમાં સાપના ઝેરમાંથી એન્ટી-વેનમ દવાઓ બનાવવાનું જે કાર્ય થઈ રહ્યું છે, તે વિજ્ઞાન અને પ્રકૃતિના સમન્વયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુજરાતમાં પર્યાવરણીય સિદ્ધિઓની ચર્ચા કરતા મંત્રીશ્રીએ નોંધ્યું કે રાજ્યમાં સિંહોની વસ્તીમાં ૩૨% નો નોંધપાત્ર વધારો થયો છે અને હવે બરડા અભયારણ્ય પણ સિંહોનું બીજું ઘર બની રહ્યું છે.

રાજ્ય સરકારના આગામી આયોજનો અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધી રહી છે અને તાજેતરમાં કચ્છના ‘છારી-ઢંઢ’ ને પાંચમી રામસર સાઇટ તરીકે માન્યતા મળી છે. આગામી સમયમાં પોરબંદરના મોકર સાગર અને મેઢાક્રીકને પણ આ વૈશ્વિક યાદીમાં સ્થાન અપાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે.

આ કાર્યક્રમ દરમ્યાન ખીજડીયા વન્યજીવ અભયારણ્યમાં પ્રજનન કરતા સ્થાનિક -સ્થળાંતરિત ભયગ્રસ્ત અને ભયની નજીક રહેલા જળચર પક્ષીઓ માટે વેટલેન્ડ હેબિટેટ એસેસમેન્ટ, દક્ષિણ ગુજરાતની મુખ્ય નદીઓના મુખપ્રદેશો (Estuaries) નું ઇકોલોજીકલ મોનિટરિંગ, ગોસાબારા – મોકરસાગર વેટલેન્ડ: ગોસા બારા – મોટરસાગર વેટલેન્ડનું ઇકોલોજીકલ મોનિટરિંગ , મોકરસાગર વેટલેન્ડ સહિતના માહિતીસભર રિપોર્ટનું પુસ્તક રૂપે સાથે – સાથે ગુજરાતના સુંદર પુષ્પો ધરાવતા વૃક્ષો, સાપ અને માનવ : ભયથી સમજ અને સહઅસ્તિત્વ તરફ અને હિંગોળગઢ: પ્રકૃતિથી પ્રેરણા અને શિક્ષણથી સંરક્ષણ તરફ વિષય અંગે ડોક્યુમેટ્રી ફિલ્મનું મંત્રીશ્રીના હસ્તે ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

PCCF ડૉ. એ. પી. સિંહ પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF)  ડૉ. એ. પી. સિંહ (IFS) એ વેટલેન્ડના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ભારત એક ‘મેગા બાયો ડાયવર્સિટી’ ધરાવતો દેશ છે, જ્યાંના દરેક ક્ષેત્ર પોતાની આગવી ઇકોસિસ્ટમ માટે વિશ્વભરમાં વિશિષ્ટ ઓળખ ધરાવે છે. આ પ્રાકૃતિક વારસાને અને વેટલેન્ડને આગામી પેઢી સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા માટે અત્યારથી જ તેના જતન અંગે ગંભીર ચર્ચા અને નક્કર આયોજન કરવું અનિવાર્ય છે. તેમણે ગૌરવભેર નોંધ્યું હતું કે, ભારતનો ૨૨ ટકા જેટલો વિશાળ વેટલેન્ડ એરિયા એકલા ગુજરાત પાસે છે, જે રાજ્યની પર્યાવરણીય સમૃદ્ધિ દર્શાવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code