
ભારતમાં શિયાળો વધારે ઠંડો રહેવાની આગાહી, ‘લા નીના’ની થશે વાપસી
નવી દિલ્હી: દેશના અનેક ભાગોમાં હાલમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. આ વચ્ચે વિશ્વ હવામાન સંગઠનએ પોતાના તાજેતરના અહેવાલમાં ચેતવણી આપી છે કે સપ્ટેમ્બરમાં હજુ વધુ વરસાદ પડી શકે છે. સાથે જ, આ વર્ષે શિયાળો પણ વધુ તીવ્ર રહેવાની સંભાવના છે કારણ કે સપ્ટેમ્બરમાં ‘લા નીના’ની વાપસી થવાની શક્યતા છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, ‘લા નીના’ના કારણે શિયાળામાં તાપમાનમાં ભારે ઘટાડો થશે, જેના પરિણામે ઉત્તર ભારતમાં હાડ થીજવી નાખતી ઠંડી પડી શકે છે.
વિશ્વ હવામાન સંગઠનના અહેવાલ મુજબ, ‘લા નીના’ની કામચલાઉ ઠંડી અસર હોવા છતાં, વૈશ્વિક તાપમાન સરેરાશથી ઉપર જ રહેવાની સંભાવના છે. પેરુ નજીક દરિયાઈ પાણી ગરમ થવાના કારણે થાય છે. તેનો પ્રભાવ ભારતમાં ઘણી વખત નબળા ચોમાસા અને ગરમ શિયાળા રૂપે જોવા મળે છે. WMOએ વધુમાં જણાવ્યું કે, લા નીના અને અલ નીનો જેવી કુદરતી ઘટનાઓ હવે માનવપ્રેરિત આબોહવા પરિવર્તનના વ્યાપક સંદર્ભમાં બની રહી છે.