સુરત, 20 જાન્યુઆરી 2026: શહેરના એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી ઉત્તર પ્રદેશની રીઢા ગુનેગારોની ટોળકીને પકડવા માટે લેડી કોન્સ્ટેબલ કેશવીબેને ડોક્ટરનો સફેદ એપ્રોન પહેરી વેશપલટો કરીને બીમારીની તપાસ કરવાના બહાને આરોપીના મકાનમાં પ્રવેશ કરીને ખાતરી કરી કે પાંચ આરોપી અંદર જ છે. ત્યારબાદ લેડી કોન્સ્ટેબલે ટીમને સિગ્નલ આપતા અન્ય પોલીસકર્મીઓએ એટીએમ ફ્રોડ ગેન્ગને દબોચી લીધી હતી.
શહેર પોલીસને બાતમી મળી કે, એટીએમ બદલી લોકોને લૂંટતા આરોપીઓ જીયાવ ગામમાં છુપાયા છે, ત્યારે તેઓ સતર્ક ન થઈ જાય તે માટે કેશવીબેને ડોક્ટરનો સફેદ એપ્રોન પહેરી વેશપલટો કર્યો હતો. બીમારીની તપાસ કરવાના બહાને તેઓ આરોપીઓના મકાનમાં પ્રવેશ્યા અને ખાતરી કરી કે પાંચ આરોપી અંદર જ છે. જે બાદ તેઓએ ટીમને સિગ્નલ આપતા અન્ય પોલીસકર્મીઓએ આ ટોળકીને દબોચી લીધી હતી. મહિલા કોન્સ્ટેબલની આ નવતર પદ્ધતિને કારણે જ આ ઓપરેશન સફળ રહ્યું અને ગુનેગારોને ગંધ પણ ન આવી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ એટીએમ ફ્રોડ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ઘાતકી અને ચાલાકીભરી હતી. તેઓ ખાસ કરીને પાંડેસરા અને સચિન GIDC જેવા વિસ્તારોના એટીએમ સેન્ટરો પર વોચ રાખતા હતા. જે ભોળા અને અભણ શ્રમજીવીઓને પૈસા ઉપાડતા ન ફાવતું હોય, તેમને મદદ કરવાના બહાને તેઓ વિશ્વાસમાં લેતા. આ દરમિયાન તેઓ નજર ચૂકવીને પિન નંબર જોઈ લેતા અને અસલી કાર્ડ બદલીને પોતાની પાસેનું નકલી કાર્ડ પધરાવી દેતા હતા. મિનિટોમાં જ ગરીબ મજૂરોની આખી જિંદગીની મૂડી તેમના ખાતામાંથી સાફ થઈ જતી હતી. છેલ્લા 6 મહિનાથી આ ટોળકીએ અનેક લોકોના ખિસ્સા ખાલી કર્યા હતા.
લેડી કોન્સ્ટેબલના સિગ્નલ બાદ પોલીસે ઘેરો બનાવીને 5 આરોપીને દબોચી લીધા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આરોપીઓ પાસેથી 150 જેટલા વિવિધ બેંકોના ATM કાર્ડ મળી આવ્યા હતા. આ ઉપરાંત 57,000ની રોકડ અને 5 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ વતન ઉત્તર પ્રદેશ ભાગવાની ફિરાકમાં જ હતા, પરંતુ તે પહેલા જ પોલીસના પાંજરે પુરાઈ ગયા. આ સફળતાથી પાંડેસરા, સચિન અને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 5 જેટલા ગંભીર ગુનાનો ભેદ એકસાથે ઉકેલાઈ ગયો છે અને કુલ 1,10,000નો મુદ્દામાલ કબજે કરાયો છે.


