
- ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી,
- ભદ્ર કચેરી ખાતે શહેર ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ કાર્યરત છે,
- મહિલાના મૃત્યુથી પરિજનોમાં શોક છવાયો
વડોદરાઃ શહેરના આજે સવારે જૂની ઘડી પાસે આવેલી ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી થતા એક મહિલાનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને ફાયરની ટીમ દ્વારા કાટમાળ દૂર કરાયો હતો.
આ બનાવની વિગતો એવી છે કે, વડોદરામાં રાજાશાહી વખતની ભદ્ર કચેરી ખાતે હાલમાં શહેર ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ કાર્યરત છે. ભદ્ર કચેરી ફરતે 10થી 12 ફૂટ જેટલી તોતિંગ દીવાલ બનાવવામાં આવી છે. ભદ્ર કચેરી અત્યંત જર્જરિત અવસ્થામાં છે અને તેની મરામતની કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. જ્યારે તેની દીવાલ પણ જર્જરીત થવા માંડી છે. આજે મંગળવારે વહેલી સવારે લગભગ 50 ફૂટ જેટલી દીવાલનો ભાગ ધડાકાભેર તૂટી પડતા ત્યાં બેઠેલી એક મહિલાનું દબાઈ જવાથી મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસક્યુ કામગીરી હાથ ધરી હતી. જોકે, ત્યાં સુધીમાં મહિલાનું મોત થઈ ચૂક્યું હતું. મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને ફાયર વિભાગની ટીમ દ્વારા કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૃતક મહિલાનું નામ 40 વર્ષીય ચંપાબેન હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાની સાથે જ મહિલાના પરિજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મહિલાના મૃત્યુથી પરિજનોમાં શોકનો માહોલ છવાયો છે. જોકે, હજુ સુધી દીવાલ ધરાશાયી થવાનું કારણ સામે આવ્યું નથી. ફાયરની ટીમ દ્વારા કાટમાળ દૂર કરાયા બાદ આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.