
અમદાવાદઃ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી સાંજથી વહેલી સવારે વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે. આ સાથે જ હજુ પણ બે થી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત સહિત અમુક જિલ્લામાં આજે પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે.
આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
વહેલી સવારથી ધુમ્મસ અને વાદળ છાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતોના ચણા, જીરું, ઘઉં, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં ગુજરાતને માથે કરા સાથે માવઠાનું સંકટ યથાવત્ છે. વરસાદની આગાહી વચ્ચે ગુરૂવારે (26મી ડિસેમ્બર) મોડી રાત્રે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે શુક્રવારે (27મી ડિસેમ્બર) શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 27મી અને 28મી ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ રાઉન્ડ શરૂ થશે.
બીજી તરફ શનિવારે (28મી ડિસેમ્બર) જ્યાં 30થી 40 કિલોમીટરે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી, પંચમહાલ,દાહોદ,મહીસાગર,આણંદ,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
આગામી 48 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાશે. આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 16થી 18 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે. ગત રાત્રિના નલિયામાં 9.8 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.