
પટનામાં સરકારી શાળામાં મધ્યાહન ભોજન ખાધા બાદ 100 બાળકો બીમાર પડવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો
પટનાઃ બિહારના પટનાના મોકામા વિસ્તારમાં આવેલી એક સરકારી શાળામાં મધ્યાહન ભોજન ખાધા પછી 100થી વધુ બાળકો બીમાર પડ્યા હોવાના મીડિયા અહેવાલની રાષ્ટ્રીય માનવ અધિકાર (NHRC), ભારતે સ્વતઃ નોંધ લીધી છે. અહેવાલ મુજબ રસોઈયાએ તેમાંથી મૃત સાપ કાઢીને બાળકોને ભોજન પીરસ્યું હતું.
કમિશને અવલોકન કર્યું છે કે જો આ બાબત સાચી હોય તો તે વિદ્યાર્થીઓના માનવ અધિકારોના ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો ઉઠાવે છે. તેથી, કમિશને બિહાર સરકારના મુખ્ય સચિવ અને બિહારના પટનાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને નોટિસ ફટકારી છે, જેમાં બે અઠવાડિયામાં આ મામલે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. અહેવાલમાં બાળકોના સ્વાસ્થ્યની સ્થિતિનો સમાવેશ થવાની અપેક્ષા છે.
25 એપ્રિલ, 2025ના રોજ પ્રસારિત થયેલા મીડિયા અહેવાલ મુજબ, લગભગ 500 બાળકોએ મધ્યાહન ભોજન ખાધું હતું. મધ્યાહન ભોજન ખાવાથી બાળકો બીમાર પડ્યા હોવાના સમાચારને કારણે વિરોધ કરી રહેલા ગ્રામજનોએ રસ્તો બ્લોક કરી દીધો હતો.