
- નોટિસને સમયગાળો પૂર્ણ છતાંયે પાલિકાએ બાકી વીજબિલ ન ભર્યું
- હવે પુન: 24 કલાકની નોટિસ અપાશે:UGVCL
- થરાદ સબડિવિઝનમાં 12,000થી વધુ ગ્રાહકોના કરોડોના વીજબિલ બાકી
થરાદઃ ગુજરાતમાં ઘણીબધી નગરપાલિકાઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. તેથી નગરપાલિકાઓ પાણી અને સ્ટ્રીટ લાઈટ્સનું વીજળી બિલ પણ ભરી શકતી નથી. જેમાં થરાદ નગરપાલિકા પર છેલ્લા ઘણા વર્ષોથી રૂપિયા 1.29 કરોડનું વીજબિલ બાકી છે. બાકી વીજબિલ તાત્કાલિક ભરવા માટે યુજીવીસીએલે આપેલી 72 કલાકની નોટિસનો સમયગાળો પૂર્ણ થયો છે. છતાં નગરપાલિકાએ બિલની ચૂકવણી કરી નથી. હવે ફરીવાર નોટિસ આપીને 24 કલાકનો સમય અપાશે. અને જો બાકી વીજબિલ ભરવામાં નહીં આવે તો વીજ કનેક્શનો કાપવામાં આવશે.
યુજીવીસીએલના સૂત્રોના જણાવ્યા મુજબ, થરાદ નગરપાલિકાનું 1.29 કરોડનું વીજ બિલ બાકી છે. વીજ કંપનીએ અગાઉ 72 કલાકનું અલ્ટીમેટ આપ્યું હતું એની સમયે મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હવે નગરપાલિકાને હવે વધુ 24 કલાકની છેલ્લી નોટિસ આપવામાં આવશે. જો આ સમયમર્યાદામાં પણ બિલની ચૂકવણી નહીં થાય તો વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે. આના કારણે શહેરમાં અંધકાર છવાઈ જવાની સંભાવના છે.
યુજીવીસીએલના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, થરાદ શહેર અને તાલુકામાં ગ્રાહકોના પણ કરોડો રૂપિયાના વીજ બિલ બાકી બોલે છે. થરાદ સબડિવિઝન એકમમાં 12,000થી વધુ ગ્રાહકોના કરોડો રૂપિયાના વીજબિલ બાકી છે. રહેણાંક, કોમર્શિયલ, ઔધોગિક, આંગણવાડી અને ખેતીવાડી મળીને કુલ 4.36 કરોડના વીજબિલ બાકી છે. જેમાં છેલ્લા બે વર્ષથી નગરપાલિકા પણ નિયમિત રીતે વીજબિલની ચૂકવણી કરતી નથી. યુજીવીસીએલે અલગ-અલગ ટીમો બનાવીને વીજબિલ વસૂલાતની કામગીરી શરૂ કરી છે. સાથે સાથે બાકીદારોના વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.