
- મીઠાની પુલિયા પાસે મધરાત્રે અજાણ્યુ વાહન બાઈકને ટક્કર મારીને પલાયન
- કચ્છમાં હીટ એન્ડ રનના વધતા જતા બનાવો
- મુન્દ્રા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
ભૂજઃ કચ્છમાં હીટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા આદિપુરમાં બાઇક ચાલક વિદ્યાર્થીનું હિટ એન્ડ રનમાં મૃત્યુ થયું હતું. ત્યાં મુન્દ્રામાં બે યુવકો અજાણ્યા વાહનની અડફેટે મોતને ભેટ્યા છે. બનાવ અંગે મુન્દ્રા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, મુન્દ્રા નજીક પોર્ટ રોડ પર પીર સર્કલ નજીક મીઠાના પુલિયા પાસે મધરાત્રે લાખાપર ગામના બાઇક સવાર 23 વર્ષીય સુરેશ કોલી અને વિશાલ કોલી (ઉ.વ. 23) બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા બન્ને બાઈકસવાર રોડ પર પટકાયા હતા. અને ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ તેમના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજયા હતા. બન્નેના મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને પલાયન થઈ ગયેલા અજાણ્યા વાહનની શોધખોળ આદરી છે.
આ બનાવના ફરિયાદી દિનેશ હરજી કોલીએ જણાવ્યું હતું કે, તેમના નાના ભાઈ સુરેશનાં ઘરે ત્રણ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો છે. ચેન્નાઈના કોચીમાં ક્રેન ઓપરેટરનું કામ કરતો ભાઈ વતન આવ્યો હતો. ગઈકાલે રાત્રે ત્રણ મિત્રો અને પોતે બે બાઇક પર હોટેલમાં જમવા ગયો હતો. ત્યાંથી પરત ફરેલા મિત્રોએ રાહ જોયા બાદ તેમને ફોન લગાડ્યો હતો, પરંતુ ફોન પર સંપર્ક ના થતા બને મિત્રો પરત ફર્યા હતા, ત્યારે ઘટનાસ્થળે પહોંચતા લોકોની ભીડ વચ્ચે સુરેશ અને વિશાલને મૃત હાલતમાં જોયા હતા અને ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.