
- શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં SOGએ ગાંજો પકડી પાડ્યો,
- પોલીસે ટ્રેનમાં કોચ S/06 અને S/07નું ચેકિંગ કરતા બિનવારસી બેગ મળી આવી હતી,
- રેલવે પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની હેઠળ ગુનો નોધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
વડોદરાઃ ગુજરાતમાં પરપ્રાંતમાંથી આવતી ટ્રેનોમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાથી પોલીસ દ્વારા સમયાંતરે ટ્રેનમાં ચેકિંગ કરાતું હોય છે. ત્યારે વડોદરા રેલવે SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) દ્વારા ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર એક્સપ્રેસમાંથી 10.22 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગાંજો બિનવારસી મળી આવ્યો છે જેને લઇ રેલવે SOG દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા રેલવે SOG દ્વારા શાલીમાર-પોરબંદર એક્સપ્રેસમાંથી 10.22 કિલોગ્રામ બિનવારસી ગાંજો કે જેની કિંમત આશરે 1,02,200 રૂપિયા છે તેને ઝડપી લેવામાં આવ્યો છે. આ બિનવારસી ગાંજો એક કાળા રંગની બેગમાંથી મળી આવ્યો હતો, જે ટ્રેનના કોચ નંબર S/06 અને S/07 વચ્ચેના કોરિડોરમાં બિનવારસી હાલતમાં મળી આવતા આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
વડોદરા રેલવે પોલીસ મિશન ક્લીન રેલવે સ્ટેશન અંતર્ગત ચેકિંગમાં હતી તે દરમિયાન ટ્રેન નંબર 12906નું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટ્રેન અડાસ રેલવે સ્ટેશન પસાર થયા બાદ, કોચ S/06 અને S/07 વચ્ચેના કોરિડોરમાં બિનવારસી બેગ મળી આવી હતી. આ બેગમાંથી 10.22 કિલો ગાંજો મળી આવ્યો, જે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે પરપ્રાંતથી લાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ શખ્સે પોલીસમાં પકડાઈ જવાના ડરથી બેગને ટ્રેનમાં છોડી ભાગી ગયો હતો. આ મામલે રેલવે SOG દ્વારા વધુ કાર્યવાહી અર્થે રેલવે પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની હેઠળ ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ગાંજો કોણ લાવ્યું અને ક્યાં સપ્લાય કરવાનો હતો સાથે આ આરોપી ક્યાં છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.