વડોદરા, 2 સપ્ટેમ્બર, 2026 : LPG tanker overturns દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા નજીક મધરાત બાદ એલપીજી ભરેલું ટેન્કર પલટી જતા અફરા-તફરી મચી ગઈ હતી. એલપીજી ભરેલા ટેન્કરમાં ગેસ લિક થાય અને આગ લાગે તો ભારે નુકસાનની ભીતી હતી. આથી કરજણ અને પાદરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વહીવટી તંત્ર અને સુરક્ષા દળોએ પરિસ્થિતિ પર નજર રાખીને ટેન્કરને સુરક્ષિત રાખવા ફાયર ફાઈટર્સને ઘટનાસ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. બીજી તરફ પલટી ખાઈ ગયેલા ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં LPG ગેસ ટ્રાન્સફર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને હાઈવેનો એક સાઈડનો રોડ વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો તેના લીધે હાઈવે પર 10 કિમીની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જ્યારે બીજા એક બનાવમાં ભરૂચ નજીક એક્સપ્રેસવે પર ચાર વાહન વચ્ચે અકસ્માત સર્જાતા 30 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા.
પ્રથમ બનાવની વિગત એવી છે કે, વડોદરાના પાદરા તાલુકામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર 31 ઓગસ્ટની રાત્રે ટ્રેલર અને LPG ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોરદાર ટક્કરના કારણે LPG ગેસ ભરેલું ટેન્કર પલટી જતા ભારે અફરાતફરીના પગલે રાત્રે જ એક્સપ્રેસ વેને વન-વે કરી દેવાયો હતો. અકસ્માતના કલાકો બાદ પણ કંપની દ્વારા ગેસ ટેન્કરને હટાવવામાં આવ્યું ન હતું. જેના કારણે વાહનોની લાંબી લાઈન લાગી હતી. LPG ગેસ ભરેલુ ટેન્કર પલટી ગયાની જાણ થતાં જ ગેસ ગળતર કે આગ જેવી કોઈ દુર્ઘટના ન બને તે માટે કરજણ અને પાદરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વહીવટી તંત્ર અને સુરક્ષા દળોએ પરિસ્થિતિ પર નજર રાખીને ટેન્કરને સુરક્ષિત રાખવા ફાયર ફાઈટર્સને ઘટનાસ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા.
આ દુર્ઘટના અંગે ગેસ કંપનીને પણ જાણ કરવામાં આવતા કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અંદાજીત 2 કલાકમાં પલટી ગયેલા ટેન્કરમાંથી LPG ગેસને અન્ય ટેન્કરમાં ટ્રાન્સફર કરવાની ટેકનિકલ કામગીરી શરૂ કરવામાં આવશે. ગેસ ટ્રાન્સફરની પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત રીતે પાર પડે તે માટે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ સતત કાર્યરત રહ્યા હતા. પરંતુ આ અકસ્માતના 12 કલાકથી વધુનો સમય છતાં ટેન્કરને કંપની દ્વારા ઘટનાસ્થળેથી હટાવવામાં આવ્યું ન હતું. કરજણ ફાયર વિભાગ દ્વારા ટેન્કર પર સત્તત કૂલિંગની પ્રોસેસ કરવામાં આવી હતી. જ્યારે આ ટેન્કરમાંથી અન્ય ટેન્કરમાં ગેસ ઠાલવવાની કાર્યવાહી પણ ચાલી રહી હતી.
બીજા બનાવમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભરૂચ નજીક પર ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ અમસ્માતનો બનાવ આમોદ તાલુકાના માતર ટોલટેક્સ નજીક બન્યો હતો. જેને પગલે વડોદરાથી માતર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને અંદાજે 30 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.


