અમદાવાદ, 4 જાન્યુઆરી 2026: 12 accused arrested for defrauding Rs 7 crore by digitally arresting retired professor શહેરમાં એક નિવૃત્ત પ્રોફેસરને અજાણ્યા શખસોએ ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 7.12 કરોડ પડાવ્યા હતા. આ અંગે સાયબર ક્રાઈમે સાયબર ગઠિયાઓને એકાઉન્ટ અને ફ્રોડના નાણા કમિશન લઈ ક્રિપ્ટો કરન્સીમાં મોકલનારા એજન્ટ અને એકાઉન્ટ હોલ્ડરની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમે 3 એકાઉન્ટ હોલ્ડર અને અન્ય એકાઉન્ટ પૂરા પાડનાર સહિત કુલ 12 આરોપીઓને દબોચી લીધા છે.
આ બનાવની વિગત એવી હતી કે, અમદાવાદના સિનિયર સિટીઝન એવા નિવૃત્ત પ્રોફેસરને અજાણ્યા શખસોએ સેલિબ્રિટીને પોર્નોગ્રાફી વીડિયો મોકલવા અને મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી 20 દિવસથી વધુ ડિજિટલ એરેસ્ટ કરી કર્યા હતા. આ દરમિયાન સાયબર ઠગોએ નિવૃત્ત પ્રોફેસર પાસેથી 7.12 કરોડ રૂપિયા પણ પડાવ્યા હતા. પોતે છેતરાયા હોવાનું ભાન થતાં નિવૃત્ત પ્રોફેસરે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરીને અમદાવાદ અને સુરત ખાતેથી કુલ 12 જેટલા આરોપીઓની ડિજિટલ એરેસ્ટ કેસમાં ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, નિવૃત્ત પ્રોફેસરને જે નંબર પરથી કોલ આવ્યો હતો તે કંબોડિયાથી આવ્યો હતો. એટલે કે, ડિજિટલ એરેસ્ટ કંબોડિયાની ગેંગ દ્વારા કરવામાં આવ્યા હતા. આરોપી દશરથે તેના ખાતામાં આવેલા ફ્રોડના રૂપિયા 1.10 લાખ અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને તે ખાતું કમિશનથી બ્રિજેશ શાહ મારફતે હિતેન્દ્ર સોલંકીને આપ્યું હતું. હિતેન્દ્ર સોલંકી રૂપિયા 25,000 કમિશન મેળવી તે એકાઉન્ટ રાજસ્થાનના આરોપીને મોકલી આપ્યું હતું. વિજય કોરીએ તેના ખાતામાં આવેલા ફ્રોડના રૂપિયા 2.12 લાખ ચેક અને ATMથી ઉપાડી બીજા ખાતામાં જમા કરાવ્યા બાદ ફોન પે દ્વારા અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. 1% કમિશનથી એકાઉન્ટ નયન પટેલને આપ્યું હતું. જ્યારે જલદીપના ખાતામાં 7.90 લાખ રૂપિયા આવ્યા હતા. જલદીપે રોહન અને સુનિલ સાથે મળી બેંકમાં જઈ પૈસા ઉપાડી તે પૈસામાંથી કમિશન બાક કરી જનકને આપ્યા હતા. જનકે ટેલિબ્રેમ ચેનલ મારફતે ફ્રોડના પૈસા ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી ચાઇનીઝ ગેંગને પહોંચાડ્યા હતા. રાહુલ, અનિલ અને અનિકેતના ખાતામાં 2.95 કરોડ રૂપિયા આવ્યા હતા. જેમાંથી 10% કમિશન લઈ આ નાણા ઉપાડી બાકીના ચાઇનીઝ ગેંગને મોકલી આપ્યા હતા. પોલીસે અમદાવાદ અને સુરત ખાતેથી ખાતાધારક અને કમિશન પર એકાઉન્ટ પુરા પાડનાર અને ફ્રોડના નાણા કમિશન કાપીને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી આપનાર 12 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.


