
વડોદરાની M S યુનિવર્સિટીની વિવિધ હોસ્ટેલની 16માંથી 14 મેસ બંધ, વિદ્યાર્થીઓને મુશ્કેલી
- હોસ્ટેલના 2000થી વધુ વિદ્યાર્થીઓના જમવાના ફાંફાં,
- હોસ્ટેલમાં ફુડ પોઈઝનિંગ બાદ ભોજનમાં ઈયળો નીકળતા વિરોધ થયો હતો,
- હોસ્ટેલમાં મેસ બંધ હોવાથી વિદ્યાર્થીઓને બહાર હોટલોમાં જમવા જવું પડે છે‘
વડોદરાઃ વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કેમ્પસમાં આવેલી વિવિધ હોસ્ટલોમાં બહારગામના હજારો વિદ્યાર્થીઓ રહે છે. અને યુનિની વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસ કરે છે. યુનિવર્સિટીની હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓ માટે 16 મેસ હતી અને વિદ્યાર્થીઓ બન્ને ટાઈમ ભોજન લેતા હતા. પણ એક પછી એક એમ 16માંથી 14 મેસ બંધ છે. તેથી વિદ્યાર્થીઓને બહાર હોટલ-રેસ્ટોરન્ટમાં ભોજન લેવા જવાની ફરજ પડી રહી છે. તાજેતરમાં જ શૈક્ષણિક સત્ર શરૂ થયું ત્યારથી અહીંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભોજન વ્યવસ્થાને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પહેલા ગર્લ્સ હોસ્ટેલમાં થયેલા ફૂડ પોઇઝનિંગ અને બાદમાં એસ.પી. હોલમાં ભોજનમાં નીકળેલી ઈયળ સતાધીશો સામે અનેક સવાલો ઊભા કરે છે.
વડોદરાની એમ એસ યુનિવર્સિટના કેમ્પસમાં કુલ 4 ગર્લ્સ હોસ્ટેલ અને 12 બોયઝ હોસ્ટેલ આવેલી છે. જેમાં 4 હજારથી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે અને 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ મેસમાં ભોજન લે છે. હાલ માત્ર 16માંથી બે જ મેસ કાર્યરત છે. જ્યારે ગર્લ્સ હોસ્ટેલની એસ.ડી. હોલ અને બોયઝ હોસ્ટેલની એસ.પી. હોલમાં ભોજનમાંથી જીવડું નિકળતા તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી છે. હાલ હજારોની સંખ્યામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બહાર ભોજન લેવા જવાની ફરજ પડી રહી છે.
હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના કહેવા મુજબ, યુનિ.કેમ્પસમાં આવેલી 16માંથી માત્ર બે મેસ ચાલુ છે. એસ.પી હોલની મેસ અને જે.એમ હોલની મેસમાં વિદ્યાર્થીઓ જમતા હતા, ગર્લ્સ હોસ્ટેલમાં પણ ફૂડ પોઇઝનિંગ થયું અને અહીંયા પણ જમવામાંથી કીડા નીકળે છે. એટલે હવે આ આજુબાજુમાં જે હોટલો હોય એમાં જવું પડે છે. તકલીફ તો પડે છે, કારણ કે અમારો સમય સાંજે ને બપોરે એક-એક કલાક બગડે છે. કારણ કે એક તો ગાડી ન હોય એટલે ચાલીને જાવું પડે છે અને હોટલમાં પણ થોડાક પૈસા પણ વધારે લે છે. સુવિધાઓ આપવી જોઈએ પણ નથી મળતી. સુવિધા તો મળે છે પણ કોન્ટ્રેકટ જ એવા લોકોને આપે છે, તો શું કરશું?