
નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 17 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જોકે, સત્તાવાળાઓ દ્વારા આની ઔપચારિક પુષ્ટિ કરવામાં આવી નથી. આ એન્કાઉન્ટર દરમિયાન મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા હતા, જેમાં SLR અને અન્ય ખતરનાક હથિયારો સામેલ હતા.
આ એન્કાઉન્ટર પૂજારી કાંકેર, બીજાપુરના મારુરબાકા અને તેલંગાણા સરહદને અડીને આવેલા વિસ્તારોમાં થઈ હતી. મળતી માહિતી મુજબ ડીઆરજી બીજાપુર, દંતેવાડા, સુકમા, કોબ્રા બટાલિયન અને સીઆરપીએફની સંયુક્ત ટીમ અને નક્સલવાદીઓ વચ્ચે સવારે લગભગ 9 વાગે એન્કાઉન્ટર શરૂ થયું હતું.
માઓવાદીઓના મોટા કેડરની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ડીઆરજી બીજાપુર, ડીઆરજી સુકમા, ડીઆરજી દંતેવાડા, કોબ્રા 204, 205, 206, 208, 210 અને કારિપુ 229 બટાલિયનની સંયુક્ત ટીમ સાથે આ ઓપરેશન શરૂ કર્યું હતું.
ગુરુવારે બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા પ્રેશર ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)ના વિસ્ફોટમાં CRPFના કોબ્રા યુનિટના બે કમાન્ડો ઘાયલ થયા હતા. બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે આ ઘટના બની હતી જ્યારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ આ વિસ્તારમાં ઓપરેશન પર હતી.
આ ટીમમાં CARIPUની 229મી બટાલિયન અને કોબ્રાની 206મી બટાલિયનના સૈનિકો સામેલ હતા. પ્રાથમિક માહિતી અનુસાર, સૈનિકો અજાણતા પ્રેશર IEDના સંપર્કમાં આવ્યા હતા, જેના કારણે વિસ્ફોટ થયો હતો અને બંને ઘાયલ થયા હતા.