
- સૌરાષ્ટ્ર યુનિમાં કૂલ મહેકમની 372 જગ્યામાંથી 152 જગ્યા ભરાયેલી છે
- ખાલી જગ્યાઓ ત્વરિત ભરવા કોંગ્રેસની મુખ્યમંત્રીને રજુઆત
- યુનિવર્સિટીના રિસર્ચ ભવનને પણ તાળા લાગેલા છે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટાભાગના કર્મચારીઓ કરાર આધારિત હોવાનો મુદ્દો પ્રકાશમાં આવ્યા બાદ તપાસ કરતા યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની મંજૂર થયેલી 372માંથી 152 જગ્યાઓ જ ભરાયેલી છે. જ્યારે 220 જગ્યાઓ ખાલી છે. જેમાં ટીચિંગ સ્ટાફમાં 155માંથી 87 જગ્યાઓ ભરાયેલી છે જ્યારે 68 જગ્યાઓ ખાલી છે. જ્યારે નોન ટીચિંગમાં 217માંથી 65 જગ્યાઓ જ ભરાયેલી છે જ્યારે 152 જગ્યાઓ ખાલી છે. પ્રદેશ કોંગ્રેસનાં ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે કરેલી RTIમાં આ વિગતો સામે આવી હતી. જે બાબતે આજે તેમનાં દ્વારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સમક્ષ રજૂઆત કરાતા તેમનાં દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની ખાલી જગ્યાઓ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતુ કે, એક સમયે શૈક્ષણિક બાબતોમાં સૌરાષ્ટ્રનું હ્રદય ગણાતી રાજકોટ સ્થિત વર્ષો જૂની યુનિવર્સિટી એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, આ યુનિવર્સિટીનું કેમ્પસ 400 એકરમાં પથરાયેલું છે. આ વિશાળ કેમ્પસમાં અલગ-અલગ ભવનોમાં અને તેને સંલગ્ન કોલેજોમાં અંદાજે અઢી લાખ જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને લાખો વિદ્યાર્થીઓએ અહીં અભ્યાસ કરી ખૂબ જ ટોચના સ્થાને પહોંચ્યા છે. એક સમય હતો કે, આ યુનિવર્સિટી A ગ્રેડ ધરાવતી હતી અને કેમ્પસના અમુક ભવનોનું શિક્ષણ સમગ્ર દેશ કક્ષાએ એટલું પ્રખ્યાત હતું કે, કેમ્પસના ભવનોમાં અભ્યાસ માટે પડાપડી થતી અને બીજી તરફ હાલની પરિસ્થિતિએ મોટાભાગના ભવનોમાં સીટો સાવ ખાલીખમ પડી રહે છે તો અમુક રિસર્ચ ભવનોમાં તાળા લાગ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા રજિસ્ટાર, પરીક્ષા નિયામક,નાયબ કુલસચિવ, ચીફ એકાઉન્ટ ઓફિસર, ચીફ એન્જિનિયર, ગ્રંથપાલ જેવી ક્લાસ 1 કક્ષાની અને યુનિવર્સિટીના વહિવટી બાબતોમા અતિ મહત્ત્વની ગણાતી જગ્યાઓ વર્ષોથી ખાલી છે અને હંગામી ધોરણે ઇન્ચાર્જથી ગાડુ ગબડાવાય રહ્યું છે. જેના લીધે યુનિવર્સિટીમાં વહિવટી ખાડે ગયો છે. આવનારા થોડા સમયમાં જ અનેક અધિકારીઓ નિવૃત્ત થવાના છે ત્યારે ભવિષ્યમાં વહિવટી રીતે શું અવદશા ઉદ્ભવશે તે ચિંતાનો વિષય છે.