Homeગુજરાતીગુજરાતભાવનગર નજીક વેળાવદરના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 28 ખડમોર પક્ષીઓ નોંધાયા

ભાવનગર નજીક વેળાવદરના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 28 ખડમોર પક્ષીઓ નોંધાયા

ભાવનગર, 29 ઓગસ્ટ, 2026 : 28 Khadmor birds recorded in Velavadar’s Kaliyar National Park જિલ્લાના વેળાવદર ખાતે આવેલા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં હાલ લીલાછમ ઘાસની હરિયાળી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય ઉદ્યાનના ઘાસિયા મેદાનમાં કાળિયાર અને નીલગાયની સાથે હાલ એક વિશેષ મહેમાન એવા ખડમોરનું પણ આગમન થયું હોવાની વન વિભાગે પુષ્ટી કરી છે. પરંપરાગત રીતે ચોમાસામાં પ્રજનન માટે ગુજરાત આવતા ખડમોર પક્ષીઓ પર વન વિભાગ અને સંશોધકોની ખાસ નજર હોય છે ત્યારે ખડમોરની કરાયેલી વાર્ષિક ગણતરીમાં ભાવનગરના વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 28 ખડમોર નોંધાયા છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વર્ષ-2026 માટે તાજેતરમાં ગત તા.18 અને 19 ઓગસ્ટના રોજ વન વિભાગની 15 ટીમોની મદદથી બે દિવસ ખડમોરની ગણતરી કરવામાં આવી હતી. ગણતરી દરમિયાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તથા આસપાસના વિસ્તારમાં 22 નર અને 6 માદા મળી કુલ 28 ખડમોર નોંધાયા હતા. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને તેની આસપાસના વિસ્તારોમાં કરાયેલી ગણતરીમાં 22 પક્ષીઓ ઉદ્યાનની બાઉન્ડરી અંદર અને 6 ઉદ્યાનની નજીકના વિસ્તારોમાં નોંધાયાં હતાં.

વન વિભાગના અધિકારીના કહેવા મુજબ ખડમોર પક્ષીનો ગુજરાત પ્રવાસ મુખ્યત્વે ચોમાસાની ઋતુ અને પ્રજનન સાથે જોડાયેલો છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ બાદ ઘાસ ઊગી નીકળે છે, કીટકોની સંખ્યા વધે છે અને માનવીય પ્રવૃત્તિ પ્રમાણમાં ઓછી રહે છે. આ સ્થિતિ ખડમોર માટે પ્રજનન માટે અનુકૂળ બને છે. 2020થી 2025 દરમિયાન વન વિભાગ, ધ કોર્બેટ ફાઉન્ડેશન અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સંશોધકોએ ખડમોરના ઋતુપ્રવાસનો અભ્યાસ કર્યો હતો. આ માટે 2020માં બે અને ત્યારબાદ 2021-22માં અન્ય 10 નર ખડમોરને સેટેલાઇટ ટેગ લગાવવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા ખડમોરની દર વર્ષે ઓગસ્ટ મહિનામાં ગણતરી કરવામાં આવે છે. આ વખતેની ગણતરીના આંકડાઓનો અહેવાલ તૈયાર કરીને વડી કચેરીએ મોકલી અપાયો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular