મહુવા, 29 ઓગસ્ટ, 2026 : Lioness dies after getting electrocuted ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામની સીમના નવનાળા વિસ્તારની એક વાડીમાં વીજ કરંટ લાગતાં સિંહણનું મોત નીપજતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સિંહણનું મોત વીજ કરંટ લાગવાના કારણે થયું હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન PGVCLની વીજ લાઇનમાંથી ગેરકાયદે લાઈન લઈ વીજ કરંટ લગાવવા બદલ આરોપી ફાર્મ રાખનારા ગોબરભાઈ મકવાણાને PGVCL દ્વારા રૂ.8000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ બનાવની વિગત લએવી છે કે, ભાવનગરના મહુવા રેન્જ હેઠળ નાના ખુટવડા-1 રાઉન્ડના છાપરી બીટ વિસ્તારમાં આવેલા બોરડી ગામના નવનાળા વાડી વિસ્તારમાં સિંહણનો મૃતદેહ મળી આવતા વન વિભાગનો કાફલો દોડી આવ્યો છે. મૃતક સિંહણને પોસ્ટપોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. મૃત સિંહણની ઉંમર અંદાજે 5થી 9 વર્ષ હોવાનું વન વિભાગે પ્રાથમિક રીતે જણાવ્યું છે. પોર્ટમોર્ટમના રિપોર્ટ મુજબ સિંહણનું મોત વીજ કરંટને લીધે થયાનો ખૂલાશો થયો હતો. મૃત સિંહણ નંદલાલ ભીખાલાલ જાનીની માલિકીની વાડીમાં મળી આવી હતી. વાડીમાં ફાર્મ રાખનાર વ્યક્તિ ગોબરભાઈ દાદુભાઈ મકવાણા (ઉ.વ. 58) (રહે. બોરડી, તા. મહુવા) હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાની જાણ થતાં વનવિભાગ, FSL ટીમ અને PGVCLની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. વન વિભાગે સિંહણના મૃતદેહનો ધોરણસર પંચનામું કરીને કબજો લીધો હતો. ત્યારબાદ મૃતદેહને ગેબર એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. PGVCLની વીજ લાઇનમાંથી ગેરકાયદે લાઈન લઈ વીજ કરંટ લગાવવા બદલ આરોપી ફાર્મ રાખનાર ગોબરભાઈ મકવાણાને PGVCL દ્વારા રૂ.8000નો દંડ ફટકારવામાં આવ્યો છે.


