
અમદાવાદના દાણીલીમડામાં એક કંપનીમાં ગેસ ગળતરથી 3 શ્રમજીવીઓના મોત
અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાં જીન્સ બનાવતી કંપનીમાં કામ કરતા 3 કર્મચારીઓ કાપડ ધોવાની ટાંકામાં ઉતર્યાં હતા. આ ત્રણેય શ્રમજીવીઓના ગુંગળામણના કારણે મોત થયા હતા. આ બનાવને પગલે તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બનાવમાં મૃતકોના પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો. તેમજ કંપનીની બેદરકારીથી આ દૂર્ઘટના સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાણીલીમડા વિસ્તારમાં આવેલી જીન્સ બનાવતી કંપનીમાં રાત્રિના સમયે કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર નામના કર્મચારી ટાંકાની સફાઈ કરવા નીકળ્યાં હતા. જો કે, આ કર્મચારીઓ બહાર નીકળી શક્યાં ન હતા. આ ત્રણેય કર્મચારીના ટાંકામાં ગુંગળામણના કારણે મોત થયાં હતા. ત્રણેય શ્રમજીવીઓના મૃતદેહ મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ત્રણેય યુવાનોના મૃતદેહ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. આ ત્રણેય યુવાનોની ઉંમર 25થી 30 વર્ષની હોવાનું જાણવા મળે છે.
આ બનાવની જાણ થતા મૃતકોના પરિવારજનો પણ હોસ્પિટલ દોઈ ગયા હતા. તેમજ કંપની સામે ગંભીર આક્ષેપ કરીને જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે, કંપનીની બેદરકારીના કારણે ત્રણેય શ્રમિકોના મૃત્યુ થયા છે. મૃતકોના મૃતદેહ આખી રાત ટાંકીમાં જ પડ્યા રહ્યાનો દાવો કરાયો છે. પરિવારજનોનો દાવો છે કે, કંપનીએ કામદારોને જોખમી રીતે ટાંકીમાં જ છોડી દીધા હતા. હોસ્પિટલમાં સ્થિતિ વકરે નહીં તે માટે પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી હતી. પરિવારજનોએ હોસ્પિટલમાં જવાબદાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે હોબાળો કર્યો હતો. હાલ પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.