ભાવનગર, 11 જાન્યુઆરી 2026: શહેરમાં આર્થિકરીતે નબળા વર્ગના અને ઘર વિહોણા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો ફાળવવામાં આવ્યા છે. પણ મકાનો જે લાભાર્થીઓને ફાળવાયા હતા, તેમને મકાનો અન્ય લોકોને ભાડે આપી દીધા હતા. એટલે કેટલાક મકાનોમાં મુળ લાભાર્થીઓ રહેતા ન હોવાની ફરિયાદો મળતા શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા તરસમિયા રોડ પર આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આ આવાસ યોજનામાંથી 33 ભાડુઆત ઝડપાતા હાલ તંત્ર દ્વારા ભાડુઆત અને મકાન માલિકને નોટિસ ફટકારવામાં આવી છે અને સાત દિવસની મુદત આપવામાં આવી છે.
ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી આવાસ યોજનામાં મૂળ લાભાર્થીઓના સ્થાને ભાડુઆત અગર બંધ હાલતમાં આવાસ જોવા મળતા હોય છે, ત્યારે આ આવાસ યોજનાનો લાભાર્થીઓ ખરા અર્થમાં લાભ લઈ શકે તે માટે એક ટીમ બનાવવામાં આવી છે અને ટીમ દ્વારા સમય સમયાંતરે તપાસ હાથ ધરવામાં આવે છે. ત્યારે તરસમિયા રોડ પર મહાદેવ નગર પાસે આવેલા ખારસી એરિયામાં 25 48 ઇડબલ્યુએસ 1 પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર 48માં કુલ 92 આવાસ આવેલા છે. જેમાં તપાસ હાથ ધરતા 92 પૈકી 33 આવાસમાં ભાડુઆત અને 35 આવાસમાં લાભાર્થીઓ તેમજ 24 આવાસ બંધ હાલતમાં મળી આવેલા હતા. આથી અધિકારીઓ દ્વારા ભાડુઆતોને નોટિસ ફટકારી સાત દિવસની અંદર આવાસ ખાલી કરી દેવા મુદત આપવામાં આવી છે. જો સાત દિવસ બાદ પણ આવાસ ખાલી કરવામાં નહીં આવે તો મકાન સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, તેમજ આવાસ યોજનામાં સતત ચાલતા ચેકિંગને પગલે ભાડું ખાતા લાભાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.


