
- ગાંધીનગર મ્યુનિની સ્ટેન્ડિંગ કમીટીએ શહેરી વિકાસ કમિશનરને કરી દરખાસ્ત
- સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 371 કરોડની ગ્રાન્ટ ફાળવવા માગ
- શહેરમાં 74 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઈન નાખવાનું આયોજન
ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં આજુબાજુના અનેક ગામડાંઓને મર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં વસતી વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. શહેરના નાગરિકોના પાણી, ગટર રોડ-રસ્તા સહિત પ્રાથમિક સુવિધા પુરી પાડવી એ મ્યુનિ.કોર્પોરેશનની ફરજ છે. ત્યારે ખર્ચને પહોંચી વળવા માટે મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 371 કરોડની ગ્રાન્ટ માટે ગુજરાત શહેરી વિકાસ કમિશનને દરખાસ્ત મોકલવાની મંજૂરી આપી છે.
જીએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનેસ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 371 કરોડની ગ્રાન્ટની માગણી કરી છે. શહેરી વિકાસ યાજના હેઠળ મળેલી ગ્રાન્ટથી શહેરી વિસ્તારોમાં પાણી અને ગટર સહિત વિકાસના કામો હાથ ધરી શકાશે. શહેરના નભોઈ, રાંધેજા, કોલવડા, પેથાપુર, ઝુંડાલ, કોબા, રાયસણ, રાંદેસણ, કુડાસણ અને સરગાસણ સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલની સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટની કુલ અંદાજિત રકમ 371.84 કરોડ છે, જેમાંથી 361.34 કરોડની દરખાસ્ત કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત નભોઈમાં લિફ્ટ સ્ટેશન અને એસટીપી, રાંધેજા ટીપી-24માં પમ્પિંગ સ્ટેશન અને ડ્રેનેજ નેટવર્ક, કોલવડામાં 3 એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગુડા વિસ્તારમાં ડ્રેનેજ અને વોટર નેટવર્ક, સરગાસણ ટીપી-28માં નવું ડ્રેનેજ નેટવર્ક વિકસાવવામાં આવશે. વધુમાં, કોબા, રાયસણ અને રાંદેસણમાં વરસાદી પાણીની લાઈન, ઝુંડાલ લેક સુધી સ્ટોર્મ વોટર નેટવર્ક તેમજ સેક્ટર 1થી 30 અને સાત ગામડાઓમાં 12.74 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઈન નાખવાનું આયોજન છે. આ તમામ કામગીરીથી શહેરની માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે.