
- ભાવિકોએ 51 શક્તિપીઠના દર્શનનો અમૂલ્ય લાભ લીધો
- ત્રણ દિવસમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા મહોત્સવમાં ભાગ લીધો
- 8 કિલોમીટરની પરિક્રમા દર્શન દોડ સ્પર્ધાનું પ્રસ્થાન કરાયું
અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ખાતે ત્રિ- દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આજે મંગળવારે ભવ્ય સમાપન થઈ હતુ. તા. 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ અદ્વિતીય મહોત્સવમાં બે લાખથી વધુ માઈભક્તે એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો અમૂલ્ય લાભ લીધો હતો. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આજે છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પરિક્રમા મહોત્સવના આજે છેલ્લા દિવસે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા કલેક્ટર દ્વારા સવારે ગબ્બર ખાતે માતાજીની આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ 51 શક્તિપીઠ પરિક્રમા કરવામાં આવી હતી.
યાત્રાધામ અંબાજીમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ગઈકાલે બીજા દિવસે 1.11 લાખ શ્રધ્ધાળુઓ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. વહિવટીતંત્ર દ્વારા પરિક્રમા દર્શન દોડનું પણ આયોજન કરાયું હતુ. મોટાભાગના શ્રધ્ધાળુઓ સવાર અને સાંજ પરિક્રમા જ્યારે બપોરે ગરમી પડતી હોઇ વિસામો કરતાં નજરે પડયા હતા.2.8 કિલોમીટરની પરિક્રમા દર્શન દોડ સ્પર્ધા પણ યોજાઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા 2.8 કિલોમીટરની પરિક્રમા દર્શન દોડ સ્પર્ધાને જિલ્લા કલેકટર મિહીર પટેલ દ્વારા પ્રસ્થાન કરાવાયું હતુ. જેમાં વિદ્યાર્થી કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે ભરથરી દશરથભાઈ, બીજા ક્રમાંકે અંગારી મુકેશભાઈ તથા ત્રીજા ક્રમાંકે ભરથરી પ્રકાશભાઈ વિજેતા બન્યા હતા જ્યારે જનરલ કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે ડાભી વિપુલભાઈ,બીજા ક્રમાંકે પરમાર હર્ષભાઈ તથા ત્રીજા ક્રમાંકે રાઠોડ રવિન્દ્રભાઈ વિજેતા બન્યા હતા. અંબાજી વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીએ જણાવ્યું હતુ કે, બીજા દિવસે 1,11,000 કરતા વધારે માઇભક્તોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. જલિયાણ સેવા કેમ્પ દ્વારા અલ્પાહારની વ્યવસ્થા ગબ્બર પરિક્રમા પથ કરવામાં આવી હતી. ગઈ કાલે બીજા દિવસે 1.11 લાખ શ્રદ્ધાળુઓએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી હતી. અને આજે છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા.