- કરદાતાઓને મસમોટુ રિબેટ આપવા છતાંયે નાગરિકો ઘરવેરો ભરતા નથી,
- વન ટાઈમ સેટલમેન્ટ યોજનાને પણ નબળો પ્રતિસાદ,
- ઘણાબધા લોકોએ તો વર્ષોથી ઘરવેરો ભર્યો જ નથી
ભાવનગરઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત પ્રોપ્રટી ટેક્સ છે. પરંતુ આશ્વર્યની વાત તો એ છે કે, શહેરમાં 1.28 લાખ જેટલાં મિલકતધારકો પ્રોપ્રટી ટેક્સ ભરતા જ નથી. આવા મિલકતધારકો પાસે રૂપિયા 400 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી છે. મ્યુનિ. દ્વારા મોકલાતી બાકીની નોટિસો પણ પ્રોપર્ટીધારકો ઘોળીને પી જાય છે. મ્યુનિ. દ્વારા બાકી કરદાતાઓને આકર્ષવા માટે નિત નવી સ્કીમો લાવે છે. પરંતુ લોકો બાકી પ્રોપર્ટી ટેક્સ ભરતા જ નથી.
ભાવનગરમાં મ્યુનિ.કોર્પોકેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ ધારકોને માટે 8 મહિના પહેલા વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટની સ્કીમ લાવ્યા હતા, તેમાં સફળ નહીં થતાં સ્કીમની ત્રુટીઓ શોધી 1લી ડિસેમ્બરથી હવે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ 2-0 અમલમાં મુકવામાં આવી છે. પરંતુ તેમાં પણ સફળતા મળી નથી. એક સપ્તાહ દરમિયાન લાભ લેવા માટે સ્કીમમાં માત્ર 20 લોકોએ જ અરજી કરી છે અને 9 કરદાતાઓએ જ જૂની બાકી લેણાનો પ્રથમ હપ્તો ભરપાઈ કર્યો છે. અત્રે ઉલ્લેખની છે કે, આજ સુધીમાં કુલ 1.28 લાખ મિલકતોનો વેરો વસૂલવાનો બાકી છે.
ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન ઘરવેરાની વસુલાત માટે વર્ષોથી પ્રયાસો કરે છે પરંતુ કર્મચારીઓનો પગાર થાય તેટલી પણ વસુલાત થઈ શકતી નથી. વસુલાત માટે જુદી જુદી સ્કીમોમાં રાહત આપવા સાથે જપ્તી સહિતની કડકાઈ પણ દાખવે છે પરંતુ જોઈએ તેટલી સફળતા વસુલાતમાં મળતી નથી તે પણ એક વાસ્તવિકતા છે. ઘણાબધા કરદાતાઓ એવા છે કે વર્ષોથી વેરો જ ભરતા નથી. જેથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગત માર્ચ મહિનામાં વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ અમલમાં મૂકી હતી. પરંતુ તે સ્કીમમાં કરદાતાઓને વધુ આર્થિક ભારણ આવતો હોવાને અને એક જ મહિનામાં એપ્લાય થવાનું હોવાને કારણે સફળતા મળી નહીં. જે સ્કીમમાં 4400 મિલકત ધારકો એપ્લાય થયા અને 3413 લોકોએ જ 6.25 કરોડનો હપ્તો ભર્યો હતો. જેની ત્રુટીઓને કારણે સફળતા નહીં મળતા અંતે તાજેતરમાં વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ – 2.0 લાગુ કરી છે. પરંતુ તેમાં પણ હજુ બાકીદારો સુધી નવી સ્કીમના ફાયદા પહોંચ્યા નથી. આવક મેળવવા માટે બાકીદારોને નવી સ્કીમની જાણકારી મળે તો જ તેઓ દ્વારા આ સ્કીમનો લાભ લઈ શકે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન વસૂલાતમાં ઘણી જ પાછળ છે. કાર્પેટ એરિયા કર પદ્ધતિમાં જ 1.28 લાખ મિલકત ધારકોનો 400 કરોડનો વેરો વસૂલવાનો બાકી છે. કરદાતાઓને ફાયદો કરાવવાવાળી નવી નવી યોજનાઓ લાવે છે પરંતુ તેની સામે તેટલું વળતર મળતું નથી.