વડોદરા, 10 ફેબ્રુઆરી 2026: શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગઈ તા. 7મી ફેબ્રુઆરીથી મગરોની વસતી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે પૂર્ણ થતાં નદીમાં 417 મગરો નોંધાયા છે. મગરોની વસતી ગણતરીમાં એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના કર્મચારીઓ, વન વિભાગના કર્મચારીઓ તેમજ એનજીઓના કાર્યકર્તાઓ જોડાયા હતા. ટેકનોલોજીના માધ્યમથી દિવસ અને રાત્રે એમ બે વાર મગરોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં વિશ્વામિત્રી નદીમાં 417 મગરો હોવાનું સામે આવ્યું છે. નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેના 2 કિમીના વિસ્તારમાં સૌથી વધુ 103 મગરો જોવા મળ્યા હતા. 2025 કરવામાં આવેલી મગરની ગણતરીમાં 442 મગરોની ગણતરી કરવામાં આવી હતી. જોકે તે સમયે શહેરના તળાવોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વખતે તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના પ્રો. ડો. રણજીતસિંહ દેવકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વખતે મગરોની જે ગણતરી થઈ તે ખૂબ જ અત્યંત ઝીણવટભરી અને સઘન હતી. આ વખતે પાકા પાયે અને વૈજ્ઞાનિક રીતે ગણતરી કરવામાં આવી છે. હાલમાં જ અમારી પાસે ડેટા શીટ્સ આવવાની શરૂઆત થઈ છે. જોકે તેનું સંપૂર્ણ એનાલિસિસ હજુ બાકી છે, પરંતુ પ્રાથમિક અંદાજ બહાર આવ્યો છે. વર્ષ 2020માં થયેલી ગણતરીમાં મગરોની સંખ્યા 212 હતી. જ્યારે 2025ના ગણતરીના અંતે આ આંકડો વધીને 442 સુધી પહોંચ્યો હતો. 2026માં તાજા આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ આશરે 417 મગરો નોંધાયા છે, જે અગાઉના 442ના આંકડાની ખૂબ જ નજીક છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડેટા મુજબ વડોદરાના નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેના વિસ્તારમાં મગરોની ડેન્સિટી એટલે કે ઘનતા સૌથી વધુ જોવા મળી છે. આ વિસ્તારમાં જ કુલ 103 મગરો નોંધાયા છે. જોકે, અન્ય વિસ્તારોનું એનાલિસિસ હજુ ચાલી રહ્યું છે, જેનો સંપૂર્ણ રિપોર્ટ આગામી 10થી 15 દિવસમાં તૈયાર થઈ જશે.


