1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઊંઝામાં 20 દિવસમાં ત્રણ કરોડની કિંમતના જીરૂની ચોરી કેસમાં વકીલ સહિત 5 આરોપી પકડાયા
ઊંઝામાં 20 દિવસમાં ત્રણ કરોડની કિંમતના જીરૂની ચોરી કેસમાં વકીલ સહિત 5 આરોપી પકડાયા

ઊંઝામાં 20 દિવસમાં ત્રણ કરોડની કિંમતના જીરૂની ચોરી કેસમાં વકીલ સહિત 5 આરોપી પકડાયા

0
Social Share

મહેસાણા, 8 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા હાઇવે પાસે ડિસેન્ટ હોટેલ પાછળ ખોડિયાર એસ્ટેટના ગોડાઉનમાં 20 દિવસમાં રૂપિયા ત્રણ કરોડની કિંમતના જીરૂની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ચોરીનો ભેદ ઉકેલી 5 આરોપીને દબોચી લીધા છે.  ચોરી કેસની તપાસમાં હાલ જે તથ્યો સામે આવી રહ્યા છે, તેને જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. કારણ કે આ ચોરીના કેસમાં આખી ગેંગ સામેલ હોવાની તથા તેમાં એક વકીલની સંડોવણી હોવાની પણ ચોંકાવનારી માહિતી મળી છે.

મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા હાઇવે પાસે ડિસેન્ટ હોટેલ પાછળ ખોડિયાર એસ્ટેટના ગોડાઉનમાં મુકેલા 3 કરોડના જીરાની ચોરી અજાણ્યા તસ્કરોએ કરી હતી. 12 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન આ ચોરી ની ઘટના બની હતી. વેપારી રીતેશ શેઠ અને અરવિંદકુમાર શેઠના વેરહાઉસ નંબર 13,14 અને 15ના તાળા ખોલી તસ્કરો રાત્રિના અંધારામાં હજારોની સંખ્યામાં જીરાની બોરીઓ ટ્રક મારફતે ઉઠાવી ગયા હતા. ચોરી થયાની ફરિયાદ નોંધાતા ચોરીનો આંકડો સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કેમ કે ગણતરી કરતા કુલ 3 કરોડ 2 લાખ 28 હજાર રૂપિયાના જીરાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જે મામલે મહેસાણા LCB અને પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા હતા, જેમાં એક શંકાસ્પદ ટ્રક નજરે પડી હતી. બાદમાં આ ટ્રક નંબરના આધારે ડ્રાઈવર સુધી પોલીસ પહોંચી અને ત્યારબાદ શરૂ થયો ટેકનિકલ સર્વેલન્સનો દોર. મોબાઈલ ટાવર લોકેશન અને કોલ ડિટેઈલ્સ (CDR) તપાસતા એક નંબર શંકાના દાયરામાં આવ્યો. આ નંબર હતો આરોપી વજાહત ખાનનો, જે ચોરી વાળી રાત્રે ઘટનાસ્થળે જ હાજર હતો. પોલીસે તપાસ દરમિયાન આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી અને જ્યારે આરોપીઓના નામ અને પ્રોફાઈલ સામે આવ્યા ત્યારે સૌ દંગ રહી ગયા. મુખ્ય આરોપીઓ પૈકી એક છે મેમણ મહંમદઈક્રામ, જેણે LL.B.નો અભ્યાસ કરેલો છે અને વકીલાત કરે છે. કહેવાય છે કે, આ વકીલ વિરુદ્ધ અગાઉ વડોદરામાં અપહરણનો ગુનો પણ નોંધાયેલો છે. જ્યારે બીજા આરોપી સાદીક મેમણ વિરુદ્ધ હાલોલમાં બળાત્કારનો ગુનો નોંધાયેલો છે. આ બંને આરોપીઓએ ટોળકીએ સાથે મળીને ચોરી કરેલું કરોડોનું જીરું ડીસા અને ઊંઝા ગંજ બજારમાં વેચી માર્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રિમાન્ડ દરમિયાન રોકડ રકમ રૂ. 46,65,000 અને જીરાની 110 બોરીઓ (કિંમત રૂ. 11,50,000) એમ મળીને કુલ 58 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

મહેસાણા પોલીસે આ હાઈ-પ્રોફાઈલ ચોરીનો ભેદ ઉકેલીને 5 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે, શાહનવાજ ઉર્ફે ટીપુ અને ઈમરાન જમીલ જેવા આરોપીઓ હજુ વોન્ટેડ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code