 
                                    - સ્ટ્રીટલાઇટના થાંભલા કાઢી નાખ્યા બાદ વાયરોનુ યોગ્ય રિપેરિંગ કરાયુ નહતું,
- ખાડામાં વરસાદના ભરાયેલા પાણીમાં કરંટ ફેલાયો હતો,
- નાના કર્મચારીઓને ટાર્ગેટ કરાયા, મોટો અધિકારીઓને બચાવી લીધાની ચર્ચા
અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં મટનગલી રોડ પર પાણી ભરાયેલા ખાડામાંથી સ્કૂટર પસાર થતા કરંટ લાગવાથી પતિ-પત્નીનું મોત નિપજ્યુ હતું. આ બનાવમાં જવાબદારો સામે પગલાં લેવાની માગ ઊઠી હતી. મૃતકના પરિવારજનની ફરિયાદના આધારે પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશનના બે અધિકારી અને કોન્ટ્રેક્ટરના ત્રણ કર્મચારીઓ સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં એવી હકિકત જાણવા મળી છે. કે સ્ટ્રીટલાઇટના થાંભલા કાઢી નાખ્યા બાદ વાયરોનુ યોગ્ય રિપેરિંગ ન થવાને કારણે પાણીમાં કરંટ ફેલાયો હતો, જેના કારણે રાજન સિંઘલ અને તેની પત્ની અંકિતાનું મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે પાંચ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી હતી કે, અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં રુદ્ર ગ્રીન રેસિડેન્સીમાં રહેતાં હેતલબેન સિંઘલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મારા પતિ હરજીવનભાઈને ફેફસાના ઇન્ફેક્શનની બીમારી હોવાથી એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યા હતા. તેમનો દીકરો રાજન અને તેની પત્ની 8 ડિસેમ્બરના રોજ રાત્રે હોસ્પિટલે ટિફિન આપીને રાતના આશરે 10 વાગ્યાની આસપાસ ઇસનપુરથી નારોલ રુદ્રગ્રીન રેસિડેન્સી ખાતે જવા નીકળ્યા હતા. આ દરમિયાન નારોલ મટનગલી રામદેવ એસ્ટેટ પાસે જાહેર રોડ ઉપર વરસાદનું પાણી ભરાયેલુ હતું. દંપતી પાણીમાંથી એક્ટિવા લઈ પસાર થતા હતા, તે દરમિયાન પાણીમાં લીકેજ થયેલા કરંટના લીધે રાજન તથા તેની પત્ની અંકિતા પાણીમાં પડી ગયાં હતાં. ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બંનેની લાશને પીએમ અર્થે મોકલી આપી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની તપાસમાં બહાર આવ્યું હતું કે, નારોલ મટનગલી રામદેવ એસ્ટેટ પાસે આવેલ જાહેર રોડ ઉપર સ્ટ્રીટલાઇટના થાંભલા લગાવવામાં આવેલા હતા. જેમા વચ્ચેના બે થાંભલા કોઈ કારણસર કાઢી નાખવામાં આવેલા હતા. થાંભલાઓના ઇલેક્ટ્રિક વાયરોનું સરખી રીતે રિપેરિંગ કર્યા વગર બંધ કરી દીધા હતા. આ જગ્યાએ વરસાદનું પાણી ભરાતા વાયરો ખુલ્લા થઈ જતાં પાણીમાં બન્નેને કરંટ લાગતાં તેમનાં મૃત્યુ થયાં હતાં.
શહેરના નારોલ મટનગલી રોડ ઉપર અગાઉ પડી ગયેલા લાઇટના થાંભલાની જાળવણી તથા રિપેરિંગ કરવાની કામગીરી કોન્ટ્રેક્ટરના કર્મચારી સૈયદ ઝહીર હસનભાઈ ઉર્ફે સાજિદભાઈ તથા એન્જિનિયર નયનભાઈ કાપડિયા તથા અજય દિનેશભાઇ પરમારની સંપુર્ણ જવાબદારી હોવા છતાં તેમણે તેમની કામગીરી પ્રત્યેની બેદરકારી નિષ્કાળજી દાખવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગના સાઇટ ઉપરના જવાબદાર ટેક્નિકલ સુપરવાઇઝર જિજ્ઞેશભાઈ ગામીત તથા અને આસી. એન્જિનિયર પંકજભાઈ મચ્છારએ કામગીરી ઉપર દેખરેખ રાખી નહી અને કોન્ટ્રેક્ટરના માણસો સ્ટ્રીટલાઈટના થાંભલાની રિપેરિંગ કરાવવાની સંપૂર્ણ જવાબદારી હોવા છતા તેઓએ પણ નિષ્કાળજી દાખવી હતી, જેના પગલે તેઓ વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચે વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

