વડોદરા, 8 જાન્યુઆરી 2026: ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાનો અધિકારીઓની લાપરવાહીને લીધે પ્રજાને લાભ મળતો નથી. વહીવટી તંત્રમાં વ્યાપ્ત અરાજકતા અને અધિકારીઓની ખરાબ માનસિકતા સામે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખાયેલા આ પત્રમાં ‘વંદે માતરમ્’ સાથે શરૂ કરીને વહીવટી વ્યવસ્થાની ટીકા કરીને બળાપો કાઢ્યો છે..
વડોદરા જિલ્લાના ડભોઈના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના અક્ષય પટેલ અને પાદરાના ચૈતન્યસિંહ ઝાલાએ સામૂહિક રીતે એક પત્ર લખી મુખ્યમંત્રીને જિલ્લાની વાસ્તવિક સ્થિતિની ચિતાર બતાવ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે ચડ્યો છે. પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી. એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાંથી કરાવવું એ જાણે એક યુદ્ધ લડવા જેવું બની ગયું છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈ તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થયા છે. અધિકારીઓ (કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશ્નર તથા અન્ય વગેરે) પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના સચિવો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવે છે, અને સરકારને હકીકતોથી દૂર રાખવામાં આવે છે.
પત્રમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, ‘પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપર અધિકારીઓ પોતાને જ સરકાર સમજી અંધાધૂંધ વહીવટ ચલાવી રહ્યા છે, જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે. ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલ કાર્યો કરવામાં આવતા નથી, ઉપરથી અધિકારીઓ દ્વારા પ્રજાને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યની મદદ કેમ માંગી? આ પ્રમાણેની ખરાબ માનસિકતાએ સુચારુ રૂપથી વહીવટી તંત્ર ચલાવવા યોગ્ય નથી.’


