
- એઈમ્સમાં હજુ સુધી કાર્ડિયોલોજી વિભાગ જ શરુ નથી થયો,
- સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય મંત્રીને કરી રજૂઆત,
- હૃદયરોગના ચિંતાજનક બનાવો છતાં પણ સરકારી સેવા નહીવત
રાજકોટઃ સૌરાષ્ટ્રના લોકોને અધ્યત્તન તબીબી સારવાર મળી રહે તે માટે રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)ની સ્થાપના કરવામાં આવી છે. AIIMS માટે અધ્યતન હોસ્પિટલ સહિત બહુમાળી બિલ્ડિંગ પણ બનાવવામાં આવ્યું છે. AIIMS કાર્યરત થયા બાદ હજુ હોસ્પિટલમાં પુરતા તબીબો નથી કે પુરતો વહિવટી સ્ટાફ પણ નથી. તેમજ AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ) માં પ્રમુખ, નિયામક, વહીવટી અધિકારી અને નાણાકીય સલાહકાર જેવા મહત્ત્વના પદો ખાલી હોવાને કારણે હોસ્પિટલના સુચારુ સંચાલનમાં પડતી મુશ્કેલીઓ પડી રહી છે. આ અંગે સાસંદ કેસરીદેવસિંહ ઝાલા અને સાંસદ રામભાઈ મોકરિયાએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે. પી. નડ્ડાને રજૂઆત કરી હતી.
રાજકોટ શહેરના બસ સ્ટેન્ડથી 15 કિ.મી. અને માધાપર ચોકડીથી 9 કિ.મી.ના અંતરે જામનગર રોડ પર ખંઢેરી-પરાપીપળીયા ગામ પાસે 201 એકરની વિશાળ જગ્યામાં રૂ।.1195 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા બનેલી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ)નું ધામધૂમથી લોકાર્પણ થયું ત્યારે લોકોને સુપરસ્પેશિયાલીસ્ટ સેવાઓ નજીવા દરથી મળશે તેવી આશા હતી. ત્યારે હાલ ગુજરાતની સૌપ્રથમ અને આ એકમાત્ર એઇમ્સમાં 58% તબીબો તેમજ વહીવટી સ્ટાફની જગ્યા પણ ખાલી છે જેના કારણે મોટાભાગની સેવાઓ લોકોને મળતી નથી.
સંસદમાં એઈમ્સમાં સ્પેશિયાલીસ્ટ ડૉક્ટરોની તંગી છે તે અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ દેશની નવીદિલ્હી સહિત 20 એઈમ્સમાં જગ્યા ખાલી છે. જેમાં રાજકોટમાં કુલ મંજુર 183 જગ્યા છે, તે પૈકી માત્ર 76 જગ્યા ભરાયેલી છે અને 107 જગ્યા ખાલી છે. સરકારે આ માટે 70 વર્ષ સુધીના નિવૃતોની સેવા લેવા તેમજ વિઝીટીંગ ડૉક્ટરો-ફેક્ટલીની છૂટછાટો આપી છે.
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં યુવાનોમાં હૃદયરોગના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે રાજકોટ એઈમ્સમાં તેના પર રિસર્ચ કરીને તબીબો-જાહેરજનતાને ઉપયોગી કારણો અને તારણો આપવાનું તો દૂર રહ્યું, હજુ એઈમ્સમાં કાર્ડિયોલોજી વિભાગ જ શરુ નથી થયો. વાંકાનેર રહેતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તેમજ રામભાઈ મોકરીયાએ એઈમ્સમાં ખાલી જગ્યાઓ ભરવા કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી છે.