1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે રૂ. 10 લાખની કેશલેસ સારવાર
ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે રૂ. 10 લાખની કેશલેસ સારવાર

ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે રૂ. 10 લાખની કેશલેસ સારવાર

0
Social Share
  • નવરાત્રીના પ્રથમ નોરતે નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી CMએ ભેટ આપી,
  • PMJAY યોજના 7 વર્ષમાં13,946 કરોડની રકમના ક્લેઇમનો લાભ લોકોને મળ્યો,
  • 94 નવી 108 એમ્બ્યુલન્સ ઉમેરાતા 108નું સંખ્યાબળ 1549 એ પહોંચ્યું

ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, નવરાત્રીના પહેલા જ નોરતે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી મુખ્યમંત્રીએ ભેટ આપી છે. આજે દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – આયુષ્યમાન યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં રાજ્યના અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G- કેટેગરી)” નો શુભારંભ થયો છે.

જેના પગલે રાજ્યના 6.42 લાખ જેટલા અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ રૂ. 10 લાખની કેશલેસ સારવારનો લાભ મળશે. આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 303.5 કરોડનો ખર્ચ થશે.

અત્રે નોધનીય છે કે, વર્ષ 2018 થી વર્ષ 2025 સુધીમાં કુલ 2.92 લાખ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ પહોંચ્યા છે. જેમાં કુલ 51.27 લાખ દાવાઓ માટે કુલ રૂ. 13,946.53 કરોડની ક્લેઇમ ચૂકવણી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં આ યોજના અંતર્ગત કુલ 2708 હોસ્પિટલ (જેમાં 943 – ખાનગી , 1765 – સરકારી) એમ્પેન્લ્ડ છે.જેમાં 2471 પ્રોસિઝરનો લાભ અપાય છે.

આ યોજના હેઠળની માહિતી મેળવવા કે ફરિયાદ નિવારણ માટે 079-66440104 હેલ્પલાઇન નંબર પણ કાર્યરત કરાયો છે.

તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઇ મોદી ના હસ્તે વર્ષ 2012 માં રૂ. 30 કરોડની બજેટ જોગવાઇથી શરૂ થયેલ મા યોજના વર્ષ 2014 માં મા – વાત્સલ્ય યોજનામાં પરિણમી હતી. જેમાં વર્ષ 2012 થી વર્ષ 2018 સુધીમાં રૂ. 1179.19 કરોડના ક્લેઇમ ચૂકવણી કરાઇ હતી.

108 એમ્બ્યુલન્સ વિષે ગુજરાતના નાગરિકોની સ્વાસ્થ્ય સેવામાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 94 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. 108 સેવાની વધતી લોકપ્રિયતા, વિશ્વસનિયતા અને તેની કાર્યક્ષમતાના કારણે નાગરીકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સેવાને વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવા આજે વધુ 94 નવી 108 એમ્બ્યુલન્સને નાગરિકોની સ્વાસ્થ્ય સેવામાં કાર્યરત કરવામાં આવી છે.

ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 108 ઈમરજન્સી સેવા હેઠળ અત્યારે 913 એમ્બ્યુલન્સ કાર્યરત છે, જેમાં આજે નવી 94 એમ્બ્યુલન્સનો વધારો થયો છે. આ ઉપરાંત રાજ્યની વિવિધ આરોગ્ય સંસ્થા અને સરકારી હોસ્પિટલોમાં કાર્યરત 542  જેટલી એમ્બ્યુલન્સને ઇન્ટર-ફેસિલિટી ટ્રાન્સફરમાં વધુ કાર્યક્ષમ અને તેના નજીકના વિસ્તારની મેડિકલ ઈમરજન્સીમાં પ્રતિસાદ પૂરો પાડી શકાય તે માટે  રાજ્યની 108 સેવા હેઠળ ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે. જેથી રાજ્યમાં 108 સેવા હેઠળ હાલમાં 1549 એમ્બ્યુલન્સ થકી તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સીમાં પૂરતો એમ્બ્યુલન્સનો કાફલો, તાલીમબદ્ધ માનવબળ સાથે ઉપલબ્ધ છે.

આરોગ્ય મંત્રીએ 108 સેવાની કાર્યક્ષમતા વર્ણવતા કહ્યું હતું કે, 108 ઈમરજન્સી મેડીકલ સેવા દ્વારા પ્રતિદિન સરેરાશ 4300 થી 4500 જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. જેના માટે પ્રતિ માસ સરેરાશ 38 લાખ કિલોમીટરનું સંચાલન કરવામાં આવે છે, જેથી રાજ્યના નાગરિકોને આ સેવાનો લાભ અવિરત 24×7 મળતો રહે. 108 નંબર પર આવેલા 99 ટકા ફોન કોલને પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવ્યો છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ છે. આટલું જ નહિ, અત્યાર સુધીમાં 108 સેવા હેઠળ 56 કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના 1.77 કરોડથી વધુ નાગરિકોને કટોકટીના સમયમાં સેવા આપવામાં આવી છે. સાથે જ, 17 લાખથી વધુ વિકટ પરિસ્થિતિમાં મૂકાયેલી મહામૂલી માનવ જિંદગીઓને બચાવવામાં આવી છે. 58.70 લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને કટોકટીની સ્થિતિમાં મદદ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code