1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસનો 6ઠ્ઠો પદવીદાન યોજાયો
ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસનો 6ઠ્ઠો પદવીદાન યોજાયો

ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસનો 6ઠ્ઠો પદવીદાન યોજાયો

0
Social Share

અમદાવાદ, 23 જાન્યુઆરી 2026: ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસના છઠ્ઠા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે પદવી મેળવનારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, ટ્રાન્સપ્લાન્ટેશન એ માત્ર ચિકિત્સા પદ્ધતિ નથી, પરંતુ નિરાશ થયેલા દર્દીઓના જીવનમાં ફરીથી ‘વસંત’ ખીલાવવાનું પુણ્યકાર્ય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના માં શારદા લક્ષ્મી હૉલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપતાં રાજ્યપાલએ કહ્યું કે, જ્યારે કોઈ દર્દી તેનાં અંગો નિષ્ફળ થવાથી જીવનની આશા છોડી દે છે, ત્યારે આ સંસ્થાના ડોક્ટરો અંગ પ્રત્યારોપણ દ્વારા તેને નવજીવન આપે છે. આ પરોપકારી કાર્યને કારણે જ સમાજમાં ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમણે સંસ્થા દ્વારા ઉપયોગમાં લેવાતી આધુનિક ટેકનોલોજી અને હજારો લોકોને મળેલા જીવનદાન બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્યપાલએ આધુનિક જીવનશૈલીની સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે ગહન ચિંતન રજૂ કર્યું હતું. તેમણે મનુષ્ય અને પ્રાણીસૃષ્ટિ વચ્ચેનો ભેદ સમજાવતાં કહ્યું કે પ્રકૃતિના અન્ય જીવો ક્યારેય કુદરતી ખોરાકનો ત્યાગ કરતા નથી, જ્યારે મનુષ્ય પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરી ખોટા આહાર-વિહાર તરફ વળ્યો છે અને અનેક બીમારીઓને નોતરે છે.

રાજ્યપાલએ પદવી મેળવનારા વિદ્યાર્થીઓને અને તબીબી જગતને માત્ર રોગની સારવાર જ નહીં, પરંતુ લોકોને માંદા ન પડવા માટે માર્ગદર્શન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે યુવા ડોક્ટરોને દર્દી પ્રત્યે સેવાભાવ રાખીને તબીબી વિજ્ઞાનના અભૂતપૂર્વ વિકાસનો લાભ છેવાડાના માણસ સુધી પહોંચાડવા માટે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત નેશનલ મેડિકલ કમિશન (NMC)ના ચેરમેન ડૉ. અભિજાત શેઠે દીક્ષાંત સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે તબીબી ક્ષેત્રે માત્ર પદવી મેળવવી એ અંત નથી, પરંતુ આજીવન શીખવાની પ્રક્રિયાની શરૂઆત છે. તેમણે પોતાના અમદાવાદ સાથેના સંસ્મરણો પણ તાજાં કર્યાં હતાં.

NMCની ભાવિ યોજનાઓ વિશે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં ક્લિનિકલ રિસર્ચ ક્ષેત્રે મહત્ત્વના સુધારાઓ માટે ICMR અને વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રની સંસ્થાઓ સાથે મળીને દેશભરમાં સંશોધનની સંસ્કૃતિ ઊભી કરવામાં આવશે.

GUTSના કુલપતિ પ્રાંજલ મોદીએ સૌને આવકારીને પદવી મેળવનારા સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. યુનિવર્સિટીની કામગીરીની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૨૫માં કુલ ૫૦૨ કિડની અને ૮૬ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે. જે પૈકી ૭૦ ટકા લોકોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકારની સહાયથી રોબોટિક સર્જરીને નિ:શુલ્ક કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code