ગંભીરા બ્રિજ નજીક મહિસાગર નદીમાં હોડી પલટી જતા 8 ડુબ્યા, તમામને બચાલી લેવાયા
વડોદરા, 3 ફેબ્રુઆરી 2026: જિલ્લાના પાદરા નજીક મહિસાગર નદીના તૂટી ગયેલા ગંભીરા બ્રિજ પાસે મુસાફરોથી ભરેલી એક હોડી પલટી જતાં હોડીમાં સવાર 8 વ્યક્તિઓ નદીના પાણીમાં ડૂબ્યા હતા, પરંતુ સમયસૂચકતા અને લોકોની મદદથી તમામનો સુરક્ષિત બચાવ થયો છે. ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે લોકો જીવના જોખમે હોડીમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે, જોકે નદીમાં હોડી પલટી જતા મોટી દુર્ઘટનામાં પરિણમતા અટકી હતી.

આ બનાવની વિગત એવી છે કે, મહિસાગર નદીમાં પાદરા તરફથી મુસાફરો હોડીમાં સવાર થઈને નદી માર્ગે ગંભીરા તરફ જઈ રહ્યા હતા.ત્યારે નદીના વહેણ અથવા સંતુલન બગડવાને કારણે હોડી અચાનક પાણીમાં પલટી ગઈ હતી. હોડી પલટતા જ તેમાં સવાર 8થી વધુ લોકો પાણીમાં ખાબક્યા હતા અને બચાવો-બચાવોની બૂમો પાડી હતી. નજીકમાં હાજર અન્ય નાવિકો અને સ્થાનિક તરવૈયાઓએ તુરંત મદદ કરીને તમામ લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પાદરા અને આણંદ જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજ બંધ હોવાથી રોડ માર્ગે લાંબો ફેરો કરવો પડે છે, જેનાથી બચવા સ્થાનિક શ્રમિકો અને મુસાફરો હોડીનો સહારો લઈ રહ્યા છે. આ ઘટનાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી, નદીનો પ્રવાહ ખૂબ તીવ્ર હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આ બનાવ દર્શાવે છે કે બ્રિજ તૂટ્યા બાદની સ્થિતિમાં લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર થયા છે અને પ્રાઇવેટ નાવડીઓનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે. લોકોને રોજિંદા જીવન માટે પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.


