- ચૂંટણી પહેલા જ 16માંથી 8 બેઠકો બિનહરિફ જાહેર થઈ,
- સભાસદોમાં શંકર ચૌધરીનું વર્ચસ્વ અને લોકપ્રિયતા અતૂટ રહી,
- રાધનપુર, થરાદ, સાંતલપુર અને અમીરગઢ સહિત કુલ 8 બેઠકો બિનહરિફ બની
અમદાવાદઃ સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ચૂંટણી પહેલા જ 16 માંથી 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ પટેલ બિન હરિફ ચૂંટાયા છે, બિનહરીફ બેઠકોમાં રાધનપુર અને અમીરગઢની બે બેઠકોએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે.
બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીએ રાધનપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ બિનહરીફ ચૂંટાયા છે. રાધનપુરથી તેમની એકમાત્ર ઉમેદવારી હોવાથી કોઈએ ફોર્મ ભર્યું ન હતું. શંકર ચૌધરીની ગેરહાજરીમાં તેમના પ્રતિનિધિ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું, જેને સભાસદોએ સમર્થન આપ્યુ છે. સભાસદોમાં શંકર ચૌધરીનું વર્ચસ્વ અને લોકપ્રિયતા અતૂટ રહી છે. શંકર ચૌધરી ઉપરાંત થરાદની બેઠક પરથી પરબત પટેલ, અમીરગઢથી ભાવાભાઈ રબારી બિન હરીફ ચૂંટાયા છે. જ્યારે ભાભર અને ડીસામાં મહિલા પ્રતિનિધિ પણ બિનહરફી ચૂંટાયા છે. આ બંને મુખ્ય નેતાઓનું બિનહરીફ ચૂંટાવું બનાસ ડેરીના રાજકારણમાં શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણનો સંકેત આપે છે.
બનાસ ડેરીની કુલ 16 બેઠકોમાંથી રાધનપુર, થરાદ, સાંતલપુર અને અમીરગઢ સહિત કુલ 8 બેઠકો પર કોઈ પણ હરીફ ન હોવાથી આ બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી ચૂંટણીનો માહોલ શાંત થયો છે અને ડેરીનું નેતૃત્વ સ્થિર અને સુચારુ રીતે ચાલશે તેવી આશા બંધાઈ છે. બાકીની બેઠકો પર હવે ચૂંટણી થશે કે કેમ તે અંગે પણ સસ્પેન્સ જળવાઈ રહ્યું છે. છેલ્લા બે દિવસથી અનેક મોટા નેતાઓએ ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યા છે. જેમાં પૂર્વ સાંસદ હરિભાઇ ચૌધરી, પૂર્વ સાંસદ પરબત પટેલ અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલનો સમાવેશ થાય છે. આ દિગ્ગજ નેતાઓની એન્ટ્રીથી બનાસ ડેરીની ચૂંટણીમાં રસાકસી વધી છે.
બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરી આજે સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શંકર ચૌધરી આ મુલાકાત દરમિયાન ચૂંટણીની વ્યૂહનીતિ પર ચર્ચા કરી હતી.


