ભૂજ, 23 માર્ચ 2026: Workers rescued after getting lost in the vast desert of Kutch દાહોદ અને એમપીના 9 શ્રમિકો બોલેરો પીકઅપ વાનમાં પલાસવા ગામે મજુરી માટે જઈ રહ્યા હતા ત્યારે કચ્છના અફાટ રણમાં ભૂલા પડ્યા હતા. શ્રમિકો રણના કાચા રસ્તે રસ્તો ભુલી જતાં મુશ્કેલીમાં મુકાયા હતા. ચારેબાજુ નજર નાંખો ત્યાં સુધી રણ વિસ્તાર જ જોવા મળતો હતો. અને કઈ બાજુ જવું તેની સમજણ પડતી નહતી. આખરે ભૂખ અને તરસથી વ્યાકુળ આ શ્રમિકોની વ્હારે આડેસર પોલીસ અને સ્થાનિક ગ્રામજનો આવ્યા હતા. સતત 5 કલાકના રેસ્ક્યુ ઓપરેશનની જહેમત બાદ તમામ સુરક્ષિત બહાર કઢાયા હતા.
આ અંગે આડેસર પીઆઇ વી.એ.સેંગલે વિગતો આપતા જણાવ્યું હતું કે, પલાસવા ગામના રામભાઈ ભરવાડને ત્યાં મજૂરી કામ માટે દાહોદના શ્રમિકોને બોલેરો પીકઅપ વાહનમાં ટીક્કર ગામથી રણના કાચા રસ્તે લાવવામાં આવી રહ્યા હતા. સાંજે 7:00 વાગ્યાની આસપાસ રણના અફાટ વિસ્તારમાં ડ્રાઈવર દિશા ભુલી ગયો હતો. દિવસે પણ આ અફાટ રણમાં રસ્તો શોધવો મુશ્કેલ બને તેમાં રાત્રિનો સમય હોવાથી અને ચારેય બાજુ અંધકાર હોવાથી વાહન ક્યાં છે તેની કોઈ સમજ પડતી નહોતી. શ્રમિકો પાસે ખોરાક કે પાણીની પણ કોઈ સુવિધા નહોતી. અફાટ રણમાં મોત સામે દેખાતું હતું ત્યારે આ બાબતની જાણ પોલીસને થતાં તેમણે પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક ટીમ તૈયાર કરી હતી. પોલીસ સ્ટાફના જે. વી. જાડેજા, બાબુભાઇ ચૌધરી સહિતના જવાનોને રવાના કરવામાં આવ્યા હતા. રણનો વિસ્તાર હોવાથી પોલીસ માટે પણ લોકેશન શોધવું પડકારજનક હતું. આથી પોલીસે પલાંસવા ગામના આગેવાનો શકતાભાઈ, રામાભાઈ અને રણછોડભાઈનો સંપર્ક કર્યો હતો. ગ્રામજનો પોતાના ટ્રેક્ટર અને અન્ય વાહનો સાથે પોલીસની મદદે આવ્યા હતા.
કચ્છના અફાટ રણમાં ભૂલા પડેલા તમામ શ્રમિકો એમપી, દાહોદ, ગોધરા બાજુના હતા. રાત્રિના સમયે આ અફાટ રણમાં કોઈ સીમાચિહ્ન ન હોવાથી દિશા નક્કી કરવી મુશ્કેલ હતી. શ્રમિકો પાસે સ્માર્ટ ફોન પણ નહીં અને નેટવર્કના પણ ધાંધીયા પરંતુ સતત 5 કલાક સુધી રણનો ખૂણેખૂણો ખુંદી નાખ્યા બાદ અંતે અમારૂં આ રેસ્ક્યુ ઓપરેશન સફળ થયું અને ફસાયેલા શ્રમિકો મળી આવ્યા હતા. જેમને હેમખેમ બહાર સુરક્ષિત લઇ અવાયા હોવાનું પીઆઇ સેંગલે જણાવ્યું હતું. રેસ્ક્યુ કરાયેલા શ્રમિકો ભય અને ભૂખ-તરસથી ફફડી રહ્યા હતા. પોલીસે સ્થળ પર જ તેમને પાણી અને સૂકો નાસ્તો કરાવી ધરપત આપી હતી. ત્યારબાદ તમામને સુરક્ષિત રીતે તેમના નિર્ધારિત સ્થળે પહોંચાડ્યા હતા.


