- પાણી પુરવઠા વિભાગે નોટિસ ફટકારી,
 - ખેડબ્રહ્મા, વડાલી, પ્રાંતિજ, તલોદ પાલિકાઓના 13 કરોડથી વધુ પાણી બિલ બાકી,
 - નાગરિકો પાસેથી ટેક્સ ઉઘરાવવામાં પાલિકાની નિષ્ક્રિયતા
 
હિંમતનગરઃ ગુજરાતમાં ઘણીબધી નગરપાલિકાઓ એવી છે કે, વીજળી બિલ પણ ભરી શકતી નથી. અને વીજ કનેક્શનો પણ કપાય રહ્યા છે. જ્યારે સાબરકાંઠાની 4 નગરપાલિકાઓ એવી છે કે, પાણી પુરવઠા વિભાગની કરોડો રૂપિયાની કરજદાર છે. એટલે કે, કરોડો રૂપિયાના પાણીના બિલો બાકી બોલી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ચારેય નગરપાલિકાને નોટિસ ફટકારવામાં આવી છે. પાણી પુરવઠો બંધ કરવાની સુચના પણ આપવામાં આવી છે.
ધરોઈ પાણી પુરવઠા યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની મોટાભાગની નગરપાલિકાઓના વર્ષોથી કરોડોના બિલ બાકી છે. એક તરફ નગરપાલિકાઓ દ્વારા શહેરમાં વસતા તમામ નાગરિકો પાસેથી ટેક્સના નામે લાખો રૂપિયા ઉઘરાવાય છે. જોકે, પાણી પુરવઠા વિભાગ સુધી કેટલાય વર્ષોથી જળાશય દ્વારા પૂરા પાડવામાં આવતા પાણીના ટેક્સ ન ચૂકવતા પાણી પુરવઠા વિભાગ દ્વારા નગરપાલિકાઓને નોટિસ ફટકારવામાં આવી છે. જે અંતર્ગત માત્ર ઈડર અને વડાલી નગરપાલિકાની વાત કરીએ તો 6 કરોડ 25 લાખથી વધારેનો પાણી પુરવઠાનો વેરો બાકી છે. જો આગામી સમયમાં ટેક્સ નહીં ભરાય તો પાણીના કનેક્શન કપાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠાની ખેડબ્રહ્મા, વડાલી, પ્રાંતિજ, તલોદ નગરપાલિકાઓના 13 કરોડથી વધારેનો પાણી બિલ બાકી છે. જેમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાયે પાણીનું બાકી બિલ ભરવામાં આવ્યું નથી. આ મામલે સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિમાં પણ રજૂઆત થઈ ચૂકી છે. જો કે, 4 નગરપાલિકાઓનો 13 કરોડથી વધારેનો પાણી બિલો બાકી હોવાના પગલે આગામી એક સપ્તાહમાં જો પાણીના બિલ ભરપાઈ કરવામાં નહીં આવે. તો તમામ નગરપાલિકાઓના પાણી કનેક્શન કપાઈ શકે છે. જો કે, નગરપાલિકાઓના પાણીના કનેક્શન કપાય તો સ્થાનિક જનતામાં પણ આ મામલે કેટલાય સવાલો સર્જાશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ તમામ નગરપાલિકાઓ દ્વારા વિવિધ વેરાઓની સાથે સાથે પાણી વેરો પણ ભરવામાં આવે છે. તેમજ જરૂરિયાત મુજબ ભરાતા આ પાણી વેરા અંતર્ગત તંત્ર દ્વારા જળાશયો પાસેથી મેળવેલા પાણીના બિલો ભરવામાં આવે છે. જો કે, નાગરિકો દ્વારા નિયમિત રીતે ટેક્સ ભરવામાં આવે છે. ત્યારે નગરપાલિકાઓ દ્વારા જળાશયોમાંથી લીધેલા પાણીના બિલો ભરવામાં આવતા નથી. છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા સંકલન સમિતિમાં પણ આ મામલે વિવિધ રજૂઆતો થઈ ચૂકી છે. સાથો સાથ તંત્ર દ્વારા છેલ્લા એક સપ્તાહની નોટીસ આપવામાં આવી છે. ત્યારે એક સપ્તાહ બાદ જો પાણીના બાકી બિલો ભરવામાં નહીં આવે તો ખેડબ્રહ્મા, વડાલી, ઈડર સહિત પ્રાંતિજ તલોદ નગરપાલિકાઓના પણ પાણીના કનેક્શન કપાશે. જો કે, વિવિધ રજૂઆતો બાદ નગરપાલિકા તંત્ર નહીં જાગે તો લોકોને ભોગવવાનો આવશે તે નક્કી છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

