- સુપ્રીમના નિવૃત જજના વડપણ હેઠળ કમિટીની રચના
 - કમિટી 45 દિવસમાં આપશે રિપોર્ટ
 - રાજ્યના નાગરિકોને સમાન હક અને અધિકારો મળશે
 
ગાંધીનગરઃ ઉતરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલમાં મુકાશે, જેના માટે રાજ્ય સરકારે સુપ્રીમ કાર્ટની નિવૃત જજના વડપણ હેઠળ એક કમિટીની આજે જાહેરાત કરી છે. યુસીસીના અમલ માટે પહેલ કરનારા ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે સરકાર આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે. આ કમિટીમાં રંજના દેસાઈ, સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ અધ્યક્ષ તરીકે સેવા આપશે. જ્યારે કમિટીના સભ્યોમાં વરિષ્ઠ IAS અધિકારી સી.એલ. મીના, એડ્વોકેટ આર.સી.કોડેકર, ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ કરાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં બે પ્રકારના કાનૂન છે- ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા. ક્રિમિનલ કાયદામાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે. દરેક ધર્મ, સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે, જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે, છૂટાછેડા, ભરણ-પોષણ વગેરે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્નના રીતરિવાજ અલગ અલગ છે. આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લૉ પણ કહેવાય છે. પર્સનલ લૉ એટલા માટે કે મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લૉ મુજબ થાય છે. હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે. ઈસાઈ અને શીખ માટે પણ અલગ પર્સનલ લૉ છે. યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લૉ ખતમ થઈ જશે અને કોઈપણ ધર્મ હોય, કોઈપણ સમુદાય હોય, એ તમામ માટે એકસમાન કાયદા રહેશે, જેને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કહેવાય છે.
આઝાદી પછી ઉત્તરાખંડ યુસીસી બિલ લાવનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જોકે ગોવામાં પણ પોર્ટુગીઝ શાસનના સમયથી યુસીસી અમલમાં છે. ગોવાને બંધારણમાં વિશેષ રાજ્યનો દરજ્જો હતો. આસામ સહિત દેશનાં ઘણાં ભાજપ શાસિત રાજ્યોએ ઉત્તરાખંડ યુસીસીને મોડલ તરીકે અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ બિલમાં 400થી વધુ જોગવાઈઓ છે. લગ્નથી લઈને લિવ-ઇન-રિલેશનશિપ સુધીના કડક નિયમો બનાવવામાં આવ્યા છે, જોકે આ બિલમાં કરવામાં આવેલી વિશેષ જોગવાઈઓને લઈને વિવાદ થઈ શકે છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનું માનવું છે કે આ કાયદો મુસ્લિમો પર અત્યાચાર સમાન છે. જો આનો અમલ થશે તો મુસલમાનોના ઘણા અધિકારો જતા રહેશે. ઉદાહરણ તરીકે, કાયદેસરના છૂટાછેડા વગર એકથી વધુ લગ્નનો કોઈ અધિકાર રહેશે નહીં. શરિયત મુજબ મિલકતની વહેંચણી થશે નહીં.
કોમન સિવિલ કોડ લાગુ થતાં જ બધાં લગ્નોની નોંધણી ફરજિયાત બની જશે. લોકોને તેમના લગ્ન ઓનલાઈન રજિસ્ટર કરાવવામાં મદદ કરવા માટે સુવિધાઓ બનાવવામાં આવી છે, જેથી તેમને સરકારી કચેરીઓમાં જવું ન પડે. આ માટેનો કટ ઓફ 27 માર્ચ 2010 રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે આ દિવસથી થનારાં બધાં લગ્નોની નોંધણી કરાવવી પડશે. લગ્નની નોંધણી 6 મહિનાની અંદર કરાવવી ફરજિયાત રહેશે.
યુનિફોર્મ સિવિલ કોડમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માટે માતા-પિતાની પરવાનગી ફરજિયાત રહેશે. આ સંબંધમાં રહેતાં યુગલોએ રજિસ્ટ્રાર સમક્ષ તેમના સંબંધો જાહેર કરવા પડશે. જ્યારે પણ તેઓ સંબંધનો અંત લાવવા માગતા હોય તો આ માહિતી રજિસ્ટ્રારને પણ આપવી પડશે. લિવ-ઇન રિલેશનશિપથી જન્મેલા બાળકને કાયદેસર ગણવામાં આવશે. જો લિવ-ઇન રિલેશનશિપ તૂટી જાય તો સ્ત્રી ભરણપોષણની માગ કરી શકશે. કોઈને જાણ કર્યા વિના એક મહિનાથી વધુ સમય માટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા બદલ 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. રજિસ્ટ્રેશન કરાવનાર કપલની માહિતી તેમનાં માતા-પિતા અથવા સંબંધીઓને અપાશે, આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

