 
                                    - એરફોર્સ કર્મચારીને હિમતનગરના બે શખસોએ સસ્તુ સોનું આપવાની લાલચ આપી હતી,
- બન્ને શખસોએ સોનાના ખોટા સિક્કા આપીને રૂપિયા 8 લાખની રોકડ મેળવી લીધી
- સોનાના સિક્કા નકલી હોવાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી
જામનગરઃ સસ્તા સોનાની લાલચમાં એરફોર્સના એક કર્મચારી છેતરપિંડીનો ભોગ બન્યા છે. જામજોધપુર તાલુકાના સમાણા એરફોર્સમાં ફરજ બજાવતા એક એરફોર્સના કર્મચારી હિંમતનગર વિસ્તારના બે ચીટર શખ્સની છેતરપિંડીનો શિકાર બન્યા હતા. અને સાચાને બદલે ખોટા સોનાના સિક્કા પધરાવી દઈ આઠ લાખ પડાવી લઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બ મૂળ રાજસ્થાનના વતની અને હાલ સમાણા એરફોર્સમાં એરમેન મેસમાં ફરજ બજાવતા પારસ કિશનલાલ રાજ્ય પુરોહિત (ઉમર વર્ષ 26) કે જેઓ હિંમતનગરના વતની લાલજીભાઈ મોતીરામભાઈ બાવરીના સંપર્કમાં આવ્યા હતા, અને તેની સાથે દીલાભાઈ સલાટ વગેરે બન્નેએ મળીને પારસભાઈને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી સોનાના ખોટા સિક્કા પધરાવી દીધા હતા, અને તેના બદલામાં આઠ લાખ રૂપિયાની રોકડ રકમ મેળવી લઈ છુમંતર થઈ ગયા હતા. એકફોર્સના કર્મચારીએ સોનાના સિક્કાની તપાસ કરાવતા સોનાના સિક્કા બનાવટી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી મામલો શેઠ વડાળા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પારસ પુરોહિતની ફરિયાદના આધારે પોલીસે લાલજી મોતીરામ બાવરી અને દીલાભાઇ સલાટ સામે છેતરપિંડી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

